Bhavnagar
ભાવનગરમાં આયોજિત રાવણ દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતાં કેન્દ્રીય કોમ્યુનિકેશન મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ અને શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
- નવી પેઢીમાં સનાતન ધર્મની સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય તે માટે વિજ્યાદસમી જેવાં તહેવારોની ઉજવણી જરૂરી -કેન્દ્રીય કોમ્યુનિકેશન મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ
- દશેરા પર્વે આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક છે- શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
કેન્દ્રીય કોમ્યુનિકેશન મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રીશ્રી આર.સી.મકવાણા અને સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ આજે ભાવનગર ખાતે બજરંગ વિકાસ સમિતિ દ્વારા ચિત્રા જી.આઇ.ડી.સી. ખાતે યોજવામાં આવેલા રાવણ દહનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ અવસર કેન્દ્રીય કોમ્યુનિકેશન મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ જણાવ્યું કે, ભાવનગરના આંગણે સામાન્યમાં સામાન્ય માનવી રાવણ દહનના કાર્યક્રમમાં સહભાગી થઈ શકે તે માટે છેલ્લાં ૧૨ વર્ષથી રાવણ દહનનો કાર્યક્રમ હજારો લોકોની ઉપસ્થિતિમાં થઈ રહ્યો છે તે આનંદની વાત છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, નવી પેઢીમાં સનાતન ધર્મની સંસ્કૃતિના સંસ્કારોનું સિંચન થાય તે માટે તેમજ અધર્મ પર ધર્મ, અન્યાય પર ન્યાય, અસત્ય પર સત્ય તેમજ દુષ્ટ બુદ્ધિનો નાશ થવા સાથે સુશીલ બુદ્ધિનો વિકાસ થાય તે માટે વિજ્યાદશ્મીનો તહેવાર પ્રતિવર્ષ ઉજવવામાં આવે છે.શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક આ દશેરા પર્વ છે. અને આપણે તેને પરંપરાગત રીતે ઉજવતાં આવ્યાં છીએ. ભાવનગર ખાતે પણ થોડા વખતથી આ પરંપરાની આપણે શરૂઆત કરી છે અને તેને આપણે આગળ લઈ જવી છે.
ભગવાન રામ એ રાવણ પર જીત મેળવવાનો આ દિવસ એ અસત પર સત અને અનીતિ પર નીતિના વિજયનો દ્યોતક છે.આજે જ્યારે નીતિ, સદાચાર, ધર્મ સામે જોખમ કેળવાયું છે ત્યારે આ તમામ આસુરી શક્તિઓ પર વિજય મેળવીને એક નવા વિશ્વનું સર્જન થાય તેઓ આજના દિવસે સંકલ્પ લેવો જોઈએ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અયોધ્યામાં રામલલ્લાના મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેમ જણાવી તેમણે કહ્યું કે, વિજ્યાદસમીના તહેવારની ઉજવણીથી બાળકોના ચહેરા પર જે ખુશી આવે છે તે અનન્ય હોય છે. આથી જ સામાન્ય લોકોને સાંકળીને આ તહેવારની ઉજવણી આજે અહીં કરવામાં આવી રહી છે.
ભગવાન રામના આદર્શોમાંથી પરોપકારની નવી દિશા મળે તેવાં ભગવાન રામના આશીર્વાદ મળે તેવી તેમને મંગલકામના તેમણે કરી હતી.સૌના-સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી સૌ સુખી બને, સૌ સંપન્ન બને, સૌનો વિજય થાય તે દિશામાં પ્રયત્નો આદરવા માટે તેમણે સંકલ્પબધ્ધ થવા માટે જણાવ્યું હતું. સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે આજે વિજયાદશમીનો પવિત્ર તહેવાર છે. ભગવાન શ્રી રામે રાવણને આજના દિવસે હણ્યો હતો. તેની ખુશાલીમાં અયોધ્યાવાસીઓએ જે ઉજવણી કરી હતી. તેની પરંપરા જાળવીને આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે.
દેશમાં જ્યાં પણ અન્યાય હોય તેની સામે એકઠા થવાનો અને કામ, ક્રોધ, મદ, મોહ જેવાં આંતરિક દુશ્મનોને હણવાનો આ દિવસે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.આ પ્રસંગે બરોડા એમ.એસ.યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમની પ્રસ્તુતિથી લોકો ઝુમી ઉઠ્યાં હતાં.આ તકે સ્ટેન્ડીગ કમિટિ ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન.વી.ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, શહેર ભા.જ.પ.પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા સહિત સંતો-મહંતો, સુરત થી પધારેલા મહાનુભાવો, વિસ્તારનાં કોર્પોરેટરશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં ચિત્રા વિસ્તારનાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
સુનિલ પટેલ