Sihor
સિહોર શહેરના જાહેર માર્ગો ઉપર વિના મંજુરીએ ફટાકડાની લારીઓના ખડકલા

કોઈ મોટી દુર્ઘટનાની દહેશત.?
સિહોર શહેરના જાહેર માર્ગો ઉપર વિના મંજુરીએ ફટાકડાની લારીઓના ખડકલા
ફાયર એન.ઓ.સી. વિના સરાજાહેર બેરોકટોકપણે ધમધમતા ફટાકડાના વેપલા સામે કાર્યવાહી કરવામાં વિલંબથી રોષ ; કાર્યવાહીમાં કોની શરમ નડે છે.?
દિવાળીના તહેવાર આડે હવે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સિહોર શહેરના અનેક જાહેર માર્ગો પર ફટાકડાના વિક્રેતાઓ દ્વારા સરાજાહેર બેરોકટોકપણે વગર મંજુરીએ ફટાકડાનું વેચાણ શરૂ થઈ ગયું છે. આ ગંભીર બાબતે સિહોરના સંબંધિત તંત્રવાહકોની બેદરકારી અને લાપરવાહી જાગૃત નાગરીકોમાં ટીકાને પાત્ર બની રહી છે.
વાહન વ્યવહારથી અવિરતપણે ધમધમતા રાજમાર્ગો પર ફટાકડાની કામ ચલાવ લારીઓનો ધમધમાટ શરૂ થયો છે હકીકતમાં ફટાકડા વેચાણ સામે ફાયર એન.ઓ.સી. ફરજિયાત હોય છે ત્યારે સિહોરના કેટલાક વેપારીઓને જાણે કે, આ કાયદો લાગુ જ ન પડતો હોય તેમ સ્થાનિક તંત્રવાહકોની પરવાનગી વગર વાહન વ્યવહારથી સતત ધમધમતા શહેરના અનેક વિસ્તારોમાં ફટાકડાનું વેચાણ લારીઓમાં થવા લાગ્યું છે અને વિના મંજુરીએ શરૂ કરી વેચાણ શરૂ કરી દેવાયું છે. ન કરે નારાયણ ને ભવિષ્યમાં જો અકસ્માત સર્જાશે તો તે અંગે જવાબદારી કોની રહેશે ? તેવો પ્રશ્ન જાગૃત લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.