Umrala
ઉમરાળાના વકીલ સાયકલ પર યાત્રા કરી આપી રહ્યા છે સંવેદનશીલતા અને સમાનતાનો સંદેશ, યાત્રા દરમિયાન 15 હજારથી વધુ લોકોનો સંપર્ક કર્યો
બરફવાળા
આજે માનવ માનવ વચ્ચે સંવેદનશીલતા ઘટી અને સ્વાર્થવૃત્તિ વધી છે.જરૂરિયાત અને લાભાલાભ ના થતાં જતાં સંબંધોમાં આત્મીયતા અને પરોપકારવૃત્તિ શોધવી મુશ્કેલ છે.જીવનના અનેક સકારાત્મક પ્રયત્નોમાં સંઘર્ષો અને મુશ્કેલીઓ તેમજ નિષ્ફળતાઓનો સામનો કર્યો હોવા છતાં જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ સાથે ઉમરાળાના યુવાન “પોઝીટીવ પ્રકાશ અભિયાન”હેઠળ માનવ માનવ વચ્ચે સંવેદનાનો સેતુ રચવા નીકળ્યો છે. ઉમરાળા ગામના વતની પ્રકાશભાઈ ડાભી વ્યવસાયે એડવોકેટ છે સાથે સામાજીક કર્યો પણ કરે છે.સમાજમાં અનેક વર્ગો અને જ્ઞાતિઓ સાથે દૈનિક સંપર્કમાં રહેતા પ્રકાશભાઈ ને માનવ માનવ વચ્ચે તેમજ જ્ઞાતિ ,જાતિ ,ધર્મ,સંપ્રદાયના નામે વધતા જતા સંઘર્ષોએ વિચલિત કરી દીધા હતા.વ્યવસાય કરતા સામાજિક સંવાદ વધુ થતા આ સામાજિક પરિસ્થિતિના ઉકેલ શોધવા અને વિચારોમાં ઊંડા ગરકાવ થઈ જતાં તેઓ જાતે જ એક સમયે ડિપ્રેશનનો શિકાર બની ગયા હતા.આ માટે તેમણે દવા સારવાર સાથે યોગ ,પ્રાણાયામ અને ગૌસેવા પણ કરી અને હતાશા હરાવી સ્વસ્થ થઈ ગયા હતા.જે બાદ આ દિવસોમાં સંઘર્ષના પરિણામે તેઓએ હકારત્મકતા અને પરસ્પર સમ્માન તેમજ લોકમિત્રભાવ રાખવાથી થતા માનસિક ફાયદા અને તે દ્વારા સ્વસ્થ ભારતીય સમાજની રચનાના ઉદેશ્ય સાથે હાલ 2200કિમીની યાત્રા સાથે આણંદ પહોંચ્યા છે. આ અભિયાન વિશે તેઓએ જણાવ્યું હતું કે પોઝિટિવ પ્રકાશ અભિયાન અંતર્ગત “એક યાત્રા સ્વીકાર ઔર સન્માન કી ઓર” અને “સબકો અપનાવો માનવતા બઢાઓ” ના સ્લોગન સાથે તેઓ સાયકલ યાત્રા દ્વારા માનવ ધર્મ અને માનવતા ,પરસ્પર સમ્માન અને એકાત્મભાવનો સંદેશ લઈને ઉમરાળા થી 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસના દિવસે યાત્રા પ્રસ્થાન કર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ આ યાત્રા સાથે સૌ પ્રથમ ગાંધી આશ્રમ અમદાવાદ આવ્યા ત્યાંથી દાંડી અને દાંડી થી સમગ્ર દક્ષિણ ગૂજરાતમાં માનવતા અને માનવ ધર્મ તેમજ મુલ્યનિષ્ઠ શિક્ષણનાં વિષય બાબતે વિદ્યાર્થીઓ અને લોકો તેમજ સામાજિક સંસ્થા તથા સામજીક કાર્યકરો સાથે સંવાદ કરતા યાત્રા કરે છે.અત્યાર સુધીમાં 100 થી વધુ શાળા કોલેજો અને સંસ્થામાં 15000 હજાર થી વધુ લોકો અને વિદ્યાર્થી યુવાનો સાથે સંવાદ કરતા કરતા આણંદ પહોંચ્યા છે. આણંદ સાઈબાબા મંદિર ખાતે સામાજિક આગેવાનો અને ટ્રસ્ટીગણ દ્વારા આ સાયકલ યાત્રિક પ્રકાશભાઈ ડાભીનું સ્વાગત કરાયું હતું અને તેમની આ યાત્રા ના ઉદેશ્યને બિરદાવવા આવ્યો હતો.
બે દિવસના અહીંના રોકાણ દરમ્યાન તેઓએ શાળા ,કોલેજ,હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જીવનમાં હકારાત્મક મનોવૃત્તિ કેળવવા અને સામાજિક સમરસતા જાળવવા સહિત શિક્ષણ અને સંસ્કારિતાના ગુણો થકી માનવા જીવનને વધુ ઉન્નત અને પ્રગતિશીલ બનાવવાની શીખ આપી હતી. આ સાયકલ યાત્રના અનુભવ બાબતે સાયકલયાત્રી પ્રકાશ ડાભી જણાવે છે કે આધુનિક સમાજમાં જાતિ જ્ઞાતિ અને ધર્મ આધારે ભેદભાવો જોવા મળે છે. આ ઉપરાંત દિવ્યાંગ, વૃધ્ધો, ડિપ્રેશનગ્રસ્ત, થર્ડ જેંડર જેવા અનેક સમુદાયો પીડિત લોકો પણ અનેક ભેદભાવો અને તિરસ્કારનો ભોગ બને છે. તો આ સમસ્યાઓ આજનાં સમાજમાં જોવા મળે છે તે સ્વાભાવિક નથી.પરિવાર ,વ્યક્તિ અને સમાજની પીડા વધારનાર ઘટનાઓને કારણે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે.વળી તેઓ પોતે પણ આ જાતિગત અને માનસિક ભેદભાવોનો ભોગ બનેલા છે તેથી કંટાળીને તેમને એકવાર આત્મહત્યાનો પ્રયાસ પણ કરેલો છે અને આ હતાશાને હરાવી પુનઃ સ્વસ્થ જીવન મળ્યું છે.તો આ અનુભવો અને એવા દરેક સમુદાયોની વેદનાને વાંચા આપવાનાં ભાગ રૂપે આ યાત્રા દ્વારા દરેક લોકોનો કોઈ ભેદભાવ વગર માત્ર એક માણસ તરીકે સ્વીકાર થાય તે હેતુ એ અને મહાત્મા ગાંધી,વિનોબા અને ડો.બાબા સાહેબ આંબેડકર ના વિચારો ને લોકો અને યુવાનોમાં પ્રચાર અને પ્રસાર કરવાનો એક નમ્ર પ્રયાસ તેઓ કરી રહયા છે. આજે તેમની સાયકલ યાત્રાનાં 116 દિવસ અહી આણંદ ખાતે પૂરા થયા છે આ સાયકલ યાત્રા નો અત્યાર સુધીમાં ઉમરાળા થી શરૂ કરી અમદાવાદ,જંબુસર,ભરૂચ, અંકલેશ્વર, સુરત,બારડોલી,તાપી,નવસારી, દાંડી,ચીખલી, વલસાડ, ધરમપુર, વાંસદા,વઘઈ,ડાંગ,સોનગઢ,ઉકાઇ,માંડવી,સાગબારા,ડેડીયાપાડા, નેત્રંગ, રાજપીપલા,ગરૂડેશર,કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી, બોડેલી,પાવી જેતપુર,છોટા ઉદેપુર, સંખેડા,ડભોઇ,વડોદરા થી હાલ આણંદ માં આગમન થયેલું છે જ્યાંથી નડિયાદ ખેડા ,અમદાવાદ થઈ ઉમરાળા પરત પહોંચશે.