Bhavnagar
કરુણ દૃશ્યો – મૃતકોની અંતિમયાત્રામાં હિબકે ચડ્યું ભાવનગર – પરિવારજનોનું હૈયું કંપાવી મૂકે તેવું આક્રંદ
હેમરાજસિંહ વાળા (ત્રાપજ – ગારીયાધાર)
ભાવનગર જિલ્લાના છ યાત્રાળુની વતનમાં અંતિમવિધિ : દહેરાદુનથી અમદાવાદ મૃતદેહ પહોંચ્યા બાદ આજે તળાજા, કઠવા અને પાદરી ગામે અંતિમ સંસ્કાર થતા કરૂણ દ્રશ્યો : પૂર્વ સરપંચને વિદાય : બે મિત્રોએ ખેંચાવેલી તસ્વીર અંતિમ બની..
ઉત્તરાખંડમાં અક્સ્માતમાં મૃત્યુ પામેલા તમામ મૃતકોના મૃતદેહ લવાયા વતન, મૃતકોની અંતિમયાત્રામાં સર્જાયા કરુણ દૃશ્યો, આજે સવારે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, અંતિમવિધિ કરાતા સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ
ઉત્તરાખંડમાં થયેલા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના 7 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. ઉત્તરકાશીના ગંગોત્રી હાઈવે પર ગંગોત્રી યાત્રાધામથી પરત ફરતી વખતે ભયાનક અકસ્માત સર્જાયો હતો. શ્રદ્ધાળુઓથી ભરેલી બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બેરિયર તોડીને યાત્રાળુથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી.
આ દુર્ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 28 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 7 મૃતકોમાંથી 6 મૃતકોના મૃતદેહ અંતિમ સંસ્કાર માટે પોતાના વતન લવાયા હતા. જ્યારે એકની અંતિમ વિધિ હરિદ્વારમાં જ કરાઈ હતી. 2 મહુવા, 3 તળાજા અને 1 મૃતદેહને પાલિતાણા લવાયા બાદ મૃતકોની અંતિમ વિધિ કરાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં શોકનો માહોલ છવાયો હતો.
કરણજીત ભાટીના મૃત્યુથી પરિવારમાં આક્રંદ
ગઈકાલે રાત્રે તમામના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ ખાતે આવ્યા હતા. તમામ મૃતકોના સ્વજનો અમદાવાદથી એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઇને વતન આવ્યાં હતાં અને વહેલી સવારે તેઓની અંતિમવિધિ કરવામાં આવી હતી. બસ અકસ્માતમાં મૃત્યુ પામેલા પાલિતાણાના 29 વર્ષીય કરણજીત ભાટીનો મૃતદેહ વતન પહોંચતા જ પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. જે બાદ સવારે તેમની અંતિમ યાત્રા નીકળતાં આખું ગામ હિબકે ચડ્યું હતું. નોંધનીય છે કે, 29 વર્ષીય કરણજીત ભાટીનું બસ અકસ્માતમાં મૃત્યુ થતાં ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
રાજુભાઇ મેર અને ગીગાભાઇની નીકળી અંતિમયાત્રા
તો અકસ્માતમાં મૃત્યુ પામેલા તળાજાના રાજુભાઇ મેર અને ગીગાભાઇ ભમ્મરના મૃતદેહ મધરાતે વતન તળાજા લવાતા આખું ગામ ભેગું થઇ ગયું હતું. સવારે બંનેની અંતિમયાત્રા નિકળતા પરિવારજનો અને સ્વજનોના આક્રંદથી હાજર સૌકોઇની આંખો ભીની થઇ ગઇ હતી. રાજુભાઈ મેર અને ગીગાભાઈની અંતિમયાત્રામાં કઠવા ગામે મોટી સંખ્યામાં લોકો ઉમટર્યા હતા. તળાજામાં નીકળેલી 35 વર્ષીય અનિરુદ્ધ જોશીની અંતિમયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
મહુવામાં રહેતા દંપતીનું પણ મોત નિપજ્યું
ઉત્તરાખંડમાં સર્જાયેલા અકસ્માતમાં ભાવનગર જિલ્લાના સાત લોકો પૈકી મહુવાના દંપતીનું પણ કરૂણ મોત નીપજ્યું હતું. મહુવાના ગણપતભાઈ મહેતા અને દક્ષાબેન મહેતાની આજે વહેલી સવારે અંતિમયાત્રા નીકળતાં મોટી સંખ્યામાં બ્રહ્ણ સમાજ જોડાયો હતો. મહુવામાં દંપતીની અંતિમયાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.