Sihor
સિહોરના શીતળા માતાના મંદિરે પરંપરાગત લોકમેળામાં માનવ મેહેરામણ ઉમટી પડયું
દેવરાજ
- સિહોર અને પંથકમાં શીતળા સાતમની ઉજવણી કરાઈ, વહેલી સવારથી જ ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા
કૃષ્ણ જન્મોત્સવના મહાપર્વ જન્માષ્ટમી પર્વ શ્રૃંખલા ની ઉજવણી શરૂ થઈ ચૂકી છે અને એક બાદ એક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવા લોકો ઉત્સાહભેર તડામાર તૈયારીઓ ને આખરી ઓપ આપી રહ્યાં છે, ત્યારે શારીરિક સ્વાસ્થ્ય અને પારિવારિક શાંતિ-પ્રગતિ નું પર્વ એટલે શીતળાસાતમની આજરોજ સિહોરના પ્રગટેશ્વર રોડ પર આવેલ શીતળા માતાજીના મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી.
સિહોરના પ્રગતેશ્વર રોડ ખાતે આવેલ મોટા શીતળા માતાજીના મંદિરે વર્ષોથી શ્રાવણ માસમાં શીતળા સાતમના દિવસે ભાતીગળ લોક મેળા યોજાય છે. આજે શીતળા સાતમના દિવસે વહેલી સવારથી જ ભાવિકો માતાજીના દર્શનાર્થે અને મેળો માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન માટે આવે છે અને માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે.આ મંદિર વર્ષોથી વર્ષો જૂનું છે.દર વર્ષની પરંપરા મુજબ શીતળા સાતમના દિવસે શહેરના પ્રગટેશ્વર રોડ પર આવેલ શીતળા માતાજીના મંદિર ખાતે મેળો ભરાય છે.
આ મેળામાં હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે, વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડે છે. શીતળા માતાના મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી હતી. સમગ્ર પંથકમાં જન્માષ્ટમી મહાપર્વોની હારમાળા ની ઉજવણીમાં ઓતપ્રોત બન્યું છે ત્યારે પ્રથમ નાગપંચમી, રાંધણ છઠ્ઠ પર્વની ઉજવણી કર્યા બાદ આજરોજ ચોસઠ જોગણી પૈકી એક એવી દૈવી માં શીતળાનું પર્વ શીતળા સાતમની આજરોજ શ્રદ્ધા અને ભક્તિ સાથે સમગ્ર ગોહિલવાડ પંથકમાં ઉજવણી કરવામાં આવી હતી