Talaja
તળાજાના ભારોલીની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં.
દેવરાજ
- હાલ બે વર્ગખંડ ઉપલબ્ધ હોય બાકીને શેડમાં કે ખુલ્લામાં અભ્યાસ કરાવવો પડે છે, બે વર્ગખંડોની હાલત પણ જર્જરિત,સ્લેબ માંથી પાણી અને ગાબડા પડે છે.
- કોઈ દુર્ઘટના સર્જાય એ પહેલાં ગ્રામજનોની સરકાર પાસે નવનિર્મિત શાળાની માંગ, રજુઆત સરકારમાં પડી છે તો હવે વિલંબ શા માટે.?
તળાજા તાલુકાના ભારોલી ગામે આવેલી હાલની પ્રાથમિક શાળાના વર્ગ ખંડોની હાલત જર્જરિત છે. વર્ષો જૂની શાળાને આજથી 5 વર્ષ પહેલા જમીનદોસ્ત કરી નાખ્યા બાદ હજુ અહીં નવી શાળાની વર્ષો જૂની માંગ હજુ પૂર્ણ નથી થઈ જ્યારે 15 વર્ષ અગાઉ બાજુમાં બનેલી 4 વર્ગ ખંડ ધરાવતી શાળાની હાલત પણ જર્જરિત છે.જર્જરિત અને અપૂરતા વર્ગ ખંડોને કારણે વિદ્યાર્થીઓને મૌસમ અનુસાર ખુલ્લામાં કે શેડ માં ભણવા મજબુર બનવું પડે છે.જ્યારે જર્જરિત વર્ગખંડોને લઈને વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ મોકલતા ભય અનુભવે છે ત્યારે ગ્રામજનો દ્વારા વહેલી તકે આ ગામની શાળાનું નવનિર્માણ થાય તેવી માંગ કરી રહ્યા છે. રાજ્યસરકાર શિક્ષા અભિયાનને લઈ ખૂબ સતર્ક છે.તેમજ રાજ્યના તમામ જિલ્લાઓમાં જૂની અને જર્જરિત શાળાઓનું નવનિર્માણ કરી આધુનિક શાળાઓ,વર્ગખંડો ઉપલબ્ધ કરાવી રહ્યા છે.પરંતુ હજુ અનેક ગામો એવા પણ છે જ્યાં શાળાની બિલ્ડીંગો જર્જરિત છે.બાળકો ભયના ઓથાર હેઠળ ભણે છે.આવી જ એક શાળા આવેલી છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારોલી ગામે.
ભારોલી ગામ કે જેની વસ્તી 1800 ની છે.આ ગામના 160 બાળકો ધો.1 થી 8 માં અભ્યાસ કરી રહ્યા છે. 5 વર્ષ અગાઉ અહીંની વર્ષો જૂની 3 પાકા અને 2 કાચા વર્ગખંડ ધરાવતી પ્રાથમિક શાળાની નવનિર્માણ માટે જમીનદોસ્ત કરી નાખવામાં આવી હતી.જ્યારે બાજુમાં જ તે સમયે 10 વર્ષ જૂની અને અત્યારના સમયે 15 વર્ષ જૂની શાળામાં પ્રાથમિક શિક્ષણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.પરંતુ સમય જતાં આ બીજી શાળાના વર્ગખંડો પણ જર્જરિત બની ગયા અને તેમાંથી પાણી ટપકવુ તેમજ સ્લેબ માંથી ગાબડા પડવા લાગતા તેમજ એક રૂમમાં ઇલે.શોટ સર્કિટના કારણે આગ લાગતા હાલ માત્ર 2 વર્ગખંડમાં 160 વિદ્યાર્થીઓને ભણાવવા સંભવ ન હોય ના છૂટકે બે પાળી (શિફ્ટ)માં વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યા છે. તેમજ મૌસમ અનુકૂળ હોય તો વિદ્યાર્થીઓને શાળાના મેદાનમાં,શેડ નીચે કે ઝાડ નીચે પણ ભણાવવા શિક્ષકો મજબૂર બની રહ્યા છે. જ્યારે શાળાએ અભ્યાસ માટે આવતા બાળકોને કોઈ દુર્ઘટનાનો ડર સતાવી રહ્યો છે.જ્યારે વાલીઓ પણ તેમના બાળકોને શાળામાં ભણવા મોકલતા ડરી રહ્યા છે.પરંતુ બહારગામ ભણવા માટે પોતાના બાળકોને મોકલે તેવી મોટાભાગના વાલીઓની આર્થિક સ્થિતિ ન હોય જેથી હવે ગ્રામજનો,શાળા આચાર્ય અને વાલીઓ તાકીદે સરકાર પાસે નવનિર્મિત શાળાની માંગ કરી રહ્યા છે.તેમજ જો વહેલી તકે કોઈ નિર્ણય નહિ આવે તો શાળાને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારી છે.