Connect with us

Gujarat

સુરતની 39 લાખના હીરાની લૂંટનો ભેદ સાડા ત્રણ મહિના પછી ઉકેલાયો, 5ની કરાઈ ધરપકડ

Published

on

surat-39-lakh-diamond-robbery-case-solved-after-three-and-a-half-months-5-arrested

સુરતના કતારગામ વિસ્તારમાં જેરામમોરાની વાડી ખાતે હીરા વેપારીને માર મારી લાખોના હીરાની થયેલી ચકચારી લૂંટનો ભેદ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સાડા ત્રણ મહિના બાદ ઉકેલી કાઢ્યો છે. આ ઘટનામાં પોલીસે લૂંટ કરનારા 4 આરોપી અને લૂંટ કરેલા હીરા વેચવામાં મદદ રૂપ થનારા આરોપી સહિત 5ની ધરપકડ કરી છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી 12.84 લાખના હીરા સહિત 13.54 લાખનો મુદામાલ પણ કબ્જે કર્યો છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી જેરામમોરાની વાડી ખાતે ગત 12 સપ્ટેમ્બરના રોજ હીરાના વેપારી કન્હૈયાલાલ પ્રજાપતિ પોતાનું કારખાનુ બંધ કરીને ઘરે જવા નીકળ્યા હતા. આ સમયે પાર્કિંગમાં પોતાની કારની ડેકીમાં બેગ મૂકી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યો ઇસમ તેમની પાસે આવ્યો હતો અને વાતચીત કરવા લાગ્યો હતો. આ દરમિયાન ત્યાં બીજા ત્રણ જેટલા ઈસમો આવી પહોચ્યા હતા અને વેપારી કંઈ સમજે તે પહેલા જ તેમને માર મારી 39 લાખના હીરા, મોબાઈલ ફોન અને રોકડા રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.

આ ગુનાનો ભેદ ઉકેલવા માટે આ કેસ સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને સોપવામાં આવ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી હતી. આ દરમિયાન માહિતી મળી હતી કે, લૂંટને અંજામ આપનાર ઈસમો પૈકી એક ઇસમનું નામ કાળુંભાઈ ઉર્ફે દાઉદ નાનજીભાઈ જેતાણી છે અને તે વડોદરા કરજણ કેનાલ ખાતે છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ આ સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો અને પોલીસના હાથે એક પછી એક કડીઓ હાથ લાગી હતી.

surat-39-lakh-diamond-robbery-case-solved-after-three-and-a-half-months-5-arrested

આરોપીની કડક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, વરાછા ખાતે રહેતો રવિન્દ્ર ઉર્ફે બાબર રામજીભાઈ કંડોરિયાએ ફોન કરી જણાવ્યું હતું કે હીરાના વેપારી કનૈયાલાલ પ્રજાપતિ રોજ સાંજે કારખાનું બંધ કરી તેની મોપેડ ઉપર હીરાનો માલ લઇ એકલો જાય છે. જો તેની પાસે હીરાની લૂંટ કરીશું તો લાખો રૂપિયા મળશે. આ કામમાં પોતાના અન્ય બે મિત્રો રાજેશભાઈ ભીલ અને શૈલેશભાઈ વાઘેલા પણ આવનાર છે. આ લૂંટમાં જે કઈ પણ મળશે તે સરખે હિસ્સે વેચી લઈશું જેથી આરોપી કાળું સુરત આવ્યો હતો અને રવિન્દ્રના ઘરે રહ્યો હતો. આ ગુનાને અંજામ આપવા માટે લૂંટના બે દિવસ અગાઉ બાઈક પર જઈ આરોપીઓએ રેકી પણ કરી હતી.

જ્યારે બનાવના દિવસે આરોપીઓ બે બાઈક પર સાંજના સવા 6 વાગ્યાના જેરામમોરાની વાડી ખાતે પહોંચી ગયા હતા અને બાદમાં રવિન્દ્ર ઉર્ફે બાબર કંડોડીયા તથા કાળુ બે જણા પાર્કિંગના આજુબાજુમાં જઈ થોડા થોડા અંતરે ઉભા હતા. આ દરમિયાન હીરા વેપારી બેગ લટકાવી પાર્કિંગમાં આવતા આરોપી કાળુ અને રવિન્દ્ર તેમની ગાડી પાસે આવી ગયા હતા અને બાદમાં તેઓને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને બાદમાં શૈલેષ અને રાજુએ માર મારી મોઢે ડૂચો દઈ 39 લાખના હીરા અને મોબાઈલની લૂંટ કરી બાઈક પર બેસી ફરાર થઇ ગયા હતા.

surat-39-lakh-diamond-robbery-case-solved-after-three-and-a-half-months-5-arrested

લૂંટમાં મળેલા હીરા રવિન્દ્રએ પોતાના મિત્ર શૈલેશ ડોંડા મારફતે વેચાણ કર્યા હતા અને થોડા દિવસ બાદ રવિન્દ્રએ બધાને ભેગા કરી બે બે લાખ રૂપિયા આપ્યા હતા. આરોપી મેહુલ ઉર્ફે શૈલેશ ડોંડાએ જણાવ્યું હતું કે, 3 મહિના પહેલા તેના મિત્ર રવિન્દ્રએ જણાવ્યું હતું કે, પોતે તેમજ અન્ય મિત્રોએ હીરાની લૂંટ કરી છે અને તે હીરા વેચાણ કરી આપશે તો તેને મોટી દલાલી આપશે. જેથી આરોપીએ લૂંટ કરેલા હીરા માંથી 41 નંગ હીરાનું વેચાણ કરાવી આપ્યું હતું. આ ઉપરાંત આ ગેંગ વડોદરા આજવા પાસેના ગામમાં મોટી લૂંટ કરવાનો પણ પ્લાન બનાવ્યો હતો, પરંતુ આખરે આ ગેંગ પકડાઈ જતા આ લૂંટ નિષ્ફળ ગઈ હતી.

Advertisement

આ ગુનામાં પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓની ઓળખ રવિન્દ્ર ઉર્ફે બાબર રામજીભાઈ કંડોડીયા (ઉ.33, રહે. વરાછા સુરત), રાજેશ ઉર્ફે રાજુ મનુભાઈ ભીલ (ઉ.30, રચના સર્કલ પાસે, કાપોદ્રા સુરત), શૈલેશ નટવરલાલ વાઘેલા (ઉ.41, રહે.મીની બજાર વરાછા સુરત), કાળુભાઈ ઉર્ફે દાઉદ નાનજીભાઈ જેતાણી (ઉ.38, રહે. ઈડબ્લ્યુએસ આવાસ, કરજણ કેનાલ,વડોદરા), મેહુલ ઉર્ફે શૈલેશ બટુકભાઈ દોડા (હીરા વેચવામાં મદદ કરનાર, રહે.લસકાણા ગામ, સુરત) તરીકે થઈ છે.પોલીસે ઝડપેલા આરોપી પૈકી કાળુભાઈ ઉર્ફે દાઉદ નાનજીભાઈ જેતાણી રીઢો ગુનેગાર છે તેની સામે ભૂતકાળમાં કરજણ પોલીસ મથકમાં પ્રોહીબીશન ભાવનગરના બોરતળાવ પોલીસ મથકમાં પ્રોહીબીશન તથા વર્ષ 2011-12માં ભાવનગરમાં હમીર વશરામના ચકચારી મર્ડર કેસમાં પણ જેલમાં રહી ચૂક્યો છે. આ ઉપરાંત ભાવનગર ખાતે અપરહણનો ગુનો પણ કર્યો છે

Continue Reading
Advertisement
error: Content is protected !!