National
Maa Bharti Ke Sapoot: રાજનાથ સિંહ આજે લોન્ચ કરશે “માં ભારતી કે સપૂત” વેબસાઈટ, દેશના જવાનોને મળશે મદદ
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ‘માં ભારતી કે સપૂત’ (Maa Bharti Ke Sapoot) ની વેબસાઈટ લોન્ચ કરશે. વેબસાઈટ લોન્ચ થયા બાદ દેશના સામાન્ય લોકો પણ યુદ્ધમાં ઘાયલ થયેલા બહાદુર સપૂતોની મદદ કરી શકશે. દિલ્હીમાં નેશનલ વોર મેમોરિયલ કોમ્પ્લેક્સમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેને લોન્ચ કરવામાં આવશે. સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તેના ગુડવિલ એમ્બેસેડર હશે.
આ સમારોહમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ત્રણેય સેનાના વડાઓ, પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓ અને સંરક્ષણ મંત્રાલયના અન્ય અગ્રણી અધિકારીઓ હાજર રહેશે. આ ઉપરાંત અનેક બેંકોના પ્રમુખ અને અનેક હસ્તીઓ પણ સામેલ થશે.
સામાન્ય નાગરિકો કરી શકશે મદદ
સામાન્ય નાગરિકો ‘મા ભારતી કે સપૂત ‘ની વેબસાઈટ દ્વારા આર્મ્ડ ફોર્સીસ વોર કેઝ્યુઅલ્ટી વેલફેર ફંડ (AFBCWF) માં યોગદાન આપી શકશે. આ રકમનો ઉપયોગ યુદ્ધમાં માર્યા ગયેલા લોકોના પરિવારો અને આશ્રિતોને આર્થિક સહાય આપવા માટે કરવામાં આવશે.
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, “ભારત સરકારે યુદ્ધમાં અશક્ત અથવા શહીદ થયેલા સૈનિકો માટે ઘણી કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે. દેશભક્ત નાગરિકો, ઉદ્યોગોના કોર્પોરેટ વડાઓ તરફથી મજબૂત જનભાવના અને વિનંતી હતી કે સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ માટે યોગદાન કરવું જોઈએ.’