Talaja
તળાજા ; પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું દેવળીયાધાર ખાતે મંત્રી કુંવરજી બાવળિએ લોકાર્પણ કર્યું

બરફવાળા
ભાવનગર જિલ્લાની પાલિતાણા, તળાજા અને મહુવા તાલુકાને આવરી લેતી પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાનું દેવળીયા ધાર ખાતે લોકાર્પણ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ કે, જે કામોનું ખાતમુર્હુત રાજ્ય સરકાર કરે છે એ કામોનું લોકાર્પણ પણ અમે કરવા પ્રતિબદ્ધ છીએ દેવળિયાધાર ખાતે જે ગામોને લાભો મળ્યા છે એ ગામો સિવાય બાકી રહેતા ગામોનો પણ સમાવેશ કરવામાં આવશે અને શુદ્ધ પીવાલાયક પાણી પૂરું પાડવામાં આવશે.
સરદાર સરોવર યોજના, સૌની યોજના, નલ સે જલ જેવી યોજના અંતર્ગત છેવાડાના માનવીને પીવાના પાણીની સુવિધા મળી રહે તેવા આયોજન સાથે કામ કરતી સરકાર છે.વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ જળ અભિયાન થકી પીવાના પાણીની વ્યવસ્થા, ગામતળ ઊંચું લાવવા માટે, ખેડૂતોને કાંપની ફળદ્રુપ માટી મળી રહે તેવી રીતે આ યોજનામાં કામ થઈ રહ્યું છે. ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે પસવી જુથ સુધારણા પાણી પુરવઠા યોજના હેઠળ 35 ગામોને લાભ મળશે. દેવળીયાધાર ખાતે 3.50 લાખ લીટર્સ ક્ષમતાનો નવો ભૂગર્ભ ટાંકો, પંપ હાઉસ, 12 મીટર ઊંચી ટાંકી બનાવવામાં આવી છે જેના થકી આ યોજના હેઠળના ગામડાઓને ફોર્સથી પાણી મળશે.
મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય આર.સી.મકવાણા, મુખ્ય ઇજનેર ભારતીબેન મિસ્ત્રી, તળાજા એસ.ડી.એમ. વિકાસ રાતડા, વાસ્મોના ઇજનેર પી.જી.મકવાણા તેમજ મહંત લહેરગીરી બાપુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા..