Sihor
કાલે સિહોરમાં સકારાત્મક માહોલમાં જુનિયર કલાર્કની પરીક્ષા માટે પોલીસ તંત્ર સજ્જ

Pvar
પીઆઇ ભરવાડ અને સમગ્ર સ્ટાફની
વિવિધ કેન્દ્રો પર ચાંપતી નજર, પરીક્ષા માટે સિહોરનું તંત્ર સજાગ: ગેરરીતિ અટકાવવા તમામ કડક વ્યવસ્થા, પેપર ફુટવા સામે અને ચોરી, કરનાર વિરૂદ્ધ આકરા કડક પગલાંની ચેતવણી ; ગેરરીતિ બનાવો ડામવા ખાસ પ્રબંધો : ચૂસ્ત પોલીસ બંદોબસ્ત
સિહોર શહેરમાં સકારાત્મક માહોલમાં આવતીકાલે રવિવારે જૂનીયર કલાર્કની પરીક્ષા માટે તંત્ર સજજ થયુ છે. જુદા જુદા શહેરોમાં ફાળવેલા કેન્દ્રો ઉપર પરિક્ષાર્થીઓ પરીક્ષા આપશે. ત્યારે ખાસ કરીને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આવતીકાલે તા.9ને રવિવારે સિહોર સહિત રાજયભરમાં જિલ્લા મથકો પર લેવાનાર જૂનિયર કલાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા સુચારૂ રૂપથી લેવાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. સિહોરમાં હજારો ઉમેદવારો વિવિધ કેન્દ્રો પરથી પરીક્ષા આપનાર હોય આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોને 11 વાગ્યે પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ આપી દેવાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પેપર લીક થવાના પગલે આ પરીક્ષા રદ્દ થવા પામી હતી.
આ વખતે આવી ઘટના ન ઘટે તે માટે જડબેસલાક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષાના દરેક કેન્દ્ર પરપોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાએ સરકારની પ્રતિષ્ઠા દાવ પર લગાડી છે. વારંવાર પેપર ફુટવા, ડમી ઉમેદવારો દ્વારા પરીક્ષા આપવી, ચોરી કરવી એવા ગેરરીતિના કિસ્સાઓ બાદ સરકાર અને કાયદો વ્યવસ્થા બન્ને સામે સવાલો સર્જાયા હતા. પરંતુ રાજ્ય સરકારે આ સમગ્ર કિસ્સાઓને ગંભીરતાથી લઈ કડક કાયદાઓ સાથે ફરી સજજડ વ્યવસ્થા તંત્ર ગોઠવ્યું છે. ઓળખના જરૂરી પુરાવાઓ સાથે જ પરીક્ષા ખંડમાં પ્રવેશ મળશે. મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લુટ્રુથ, ઇયરફોન પરીક્ષા ખંડ માં લઇ જવાની સદંતર મનાઈ છે.