Gujarat
ભાવનગર સહિત રાજ્યની મહાપાલિકા, જિલ્લા પંચાયત સહિતના નવા પદાધિકારીની પસંદગીમાં નો-રીપીટ થિયરી : પાટીલ
કુવાડીયા
- નવા ચહેરાઓને સ્થાન અપાશે : જનરલ કેટેગરીના સ્થાન પર તે જ વર્ગનાને પસંદગી : પદાધિકારીઓની કામગીરી, સંગઠન સાથેનું તેનું કામકાજ અને ક્રાઇમ રેકોર્ડ પણ ચકાસાશે : ભાજપ પ્રદેશ પ્રમુખ
ગુજરાતમાં ભાજપ દ્વારા ભાવનગર સહિત રાજ્યની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં નવા પદાધિકારીઓની નિયુકિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં સંપૂર્ણપણે નો-રીપીટ થીયરી અપનાવાશે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું. કે રાજયમાં 90 ટકાથી વધુ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ભાજપનું પ્રતિનિધિત્વ છે. અને તેના કારણે પક્ષ પાસે ભરપુર નવી ટેલેન્ટ છે અને તેથી જ નવા ચહેરાઓને તક મળી રહે તે માટે નો-રીપીટ થીયરી અપનાવાશે અને જે જનરલ બેઠકો હશે ત્યાં જનરલ કેટેગરીના ચહેરાને સ્થાન મળે તે પણ નિશ્ચીત કરાશે.
પાટીલે જણાવ્યું કે આજથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામો નકકી કરવાની પ્રક્રિયા શરૂ થઇ છે અને તેથી આગામી તા.1ર સુધીમાં તમામ નામોની જાહેરાત કરી દેવાશે. જે પદાધિકારી નકકી થશે તેમાં તેની સીનીયોરીટી, સંગઠન સાથેનું કામકાજ, પોતાની કોર્પોરેટર કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય તરીકેની કામગીરી તેમજ તેનો ક્રાઇમ રેકોર્ડ પણ ધ્યાનમાં લેવાશે અને તેના આધારે પસંદગી કરવામાં આવશે. પાટીલે ઉમેર્યુ કે જે કેટલીક ચર્ચાઓ મીડિયામાં છે તેમાં કાર્યકર્તાઓમાં દ્વિધા ન સર્જાય તે માટે આ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે.