Gujarat
મિશન ચંદ્રયાન 3 – ગુજરાત માટે ‘ધન ઘડી ધન ભાગ’
પરેશ દુધરેજીયા
ચંદ્રયાન 3 માં ગુજરાતનો મહત્વનો રોલ ; રોકેટનું બોડી, સ્પેર પાર્ટ્સ, કેમેરા સહિત અનેક વસ્તુઓ ગુજરાતમાં બની.
ભારતે આજે વિશ્વવિક્રમ સર્જીને વિશ્વસત્તા તરફ જવા માટે વધુ એક ડગલું ભર્યું છે, મિશન ચંદ્રયાન 3 નું ચંદ્રની ધરતી પર સોફ્ટ લેન્ડિંગ અને ખાસ કરીને ચંદ્રનાં દક્ષિણ ભાગમાં પહોંચનાર આજે ભારત પહેલો દેશ બન્યો છે, ચંદ્રયાન 3 ચંદ્રનાં અનેક રહસ્યો ઉજાગર કરીને ભવિષ્યની પેઢી માટે નવી રાહ ચીંધશે. ચંદ્રયાનની સફળતા પાછળ દેશનાં સેંકડો વૈજ્ઞાનિકોની વર્ષોની મહેનત અને દેશની અનેક નાની મોટી કંપનીઓનો મહત્વનો ફાળો રહ્યો છે, જેમાં અમદાવાદ સ્થિત ISRO સેન્ટર અને ગુજરાતની કેટલીય કંપનીઓએ કામ કર્યું છે. ચંદ્રયાન-3માં લગાવાયેલા કેમેરા અને તેના લેન્સ મૂળ કચ્છીની ‘પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજી’ નામની કંપનીએ બનાવ્યા છે, આ કેમેરાની મદદથી જ આજે આપણે હજારો કિલોમીટર દૂર ચંદ્રની ધરતીના ફોટો જોઈ શકીએ છીએ. આ સિવાય ચંદ્રયાનનાં મુખ્ય રોવરમાં લાગેલા એન્ટેના અને રીમોટ કંટ્રોલનું ઉત્પાદન અમદાવાદ સ્થિત વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે કરાયું છે, ચંદ્રયાનનાં રોકેટનો મુખ્ય ભાગ જામનગરની ‘ગીતા એન્જિનિયરિંગ’ નામની કંપનીમાં બન્યો હતો, આ રોકેટનાં કારણે જ ચંદ્રયાન 3 અંતરિક્ષમાં પ્રવેશી શક્યું હતું, આ ઉપરાંત સુરતની સિરામિક કંપનીમાં બનેલું ‘સ્કિવબ્સ કંપોનેન્ટ’ (જે ચંદ્રયાનનાં વાયરોને 3 હજાર ડિગ્રી સેલ્સિયસમાં પણ ઠંડા રાખી શકે છે) તે સુરતમાં બન્યું છે. અને છેલ્લે સૌથી મહત્વની ક્ષણ એ છે, કે દરેક વૈશ્વિક ગુજરાતીઓ માટે ગૌરવસમા શ્રી હોમી ભાભા અને વિક્રમ અંબાલાલ સારાભાઇનાં સપનાઓના કારણે આજે ISRO આ મુકામ પર પહોંચ્યું છે, આ બંને ગુજરાતીઓએ આજે વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર ISRO સંસ્થાની સ્થાપનાનાં મૂળ નાખ્યાં હતાં.