National
મહાઠગ કિરણ પટેલનો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો ; કોંગ્રેસ નેતા સાસંદ શક્તિસિંહ ગોહિલની ચર્ચા કરવા માંગ
કુવાડિયા
કિરણ પટેલને PMOના અધિકારીના નામે સરકારી સુવિધાઓ કોને અપાવી હતી : શક્તિસિંહ ગોહિલ – જ્યાં નાગરિકોને જવાની મંજૂરી ન હોય તેવા વિસ્તારોમાં કિરણ પટેલને કેમ જવા દેવામાં આવ્યો : શક્તિસિંહ ગોહિલ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરની ધ ગ્રાન્ડ લલિત ફાઇવ સ્ટાર હોટલમાંથી ગુજરાતના કિરણ પટેલ વિરૂદ્વ ગુનો નોંધાયા બાદ તેના ૧૪ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા હાલ તે જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. જ્યાં ગુજરાત એટીએસ સહિત અનેક સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની પુછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે હવે આ મહાઠગનો મુદ્દો રાજ્યસભામાં પણ ગાજ્યો છે. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં કિરણ પટેલ મુદ્દે ચર્ચા કરવાની માંગણી કરી છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે નિયમ 267 હેઠળ એવી માંગ કરી છે કે ગૃહમાં બીજી ચર્ચાઓ પછી પણ પહેલા કિરણ પટેલના મુદ્દે ચર્ચા કરો કે કયા કારણોસર કિરણ પટેલને Z+ સુરક્ષા કવચ આપવામાં આવ્યું હતું અને જ્યાં નાગરિકોને જવાની મંજૂરી ન હોય તેવા વિસ્તારોમાં કેમ જવા દેવામાં આવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે આ અંગે નોટિસ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પોસ્ટ કરી છે.
રાજ્યસભામાં આ પ્રક્રિયાને સસ્પેન્સન ઓફ બિઝનેસ નોટિસ કહે છે. શક્તિસિંહે આ અંગે સવાલ કર્યો છે કે, કિરણ પટેલ કે જેમણે સરકારી અધિકારી તરીકેનો ઢોંગ કર્યો હતો. તેમને વડાપ્રધાન કાર્યાલયના અધિકારીના નામે સરકારી સુવિધાઓ કોને અપાવી હતી? શ્રી ગોહિલે આજે આ અંગે નોટીસ ફટકારતા જણાવ્યું કે કિરણ પટેલને ઝેડપ્લસ સિકયોરીટી કોણે આપી અને જમ્મુ-કાશ્મીરના એ સંવેદનશીલ ક્ષેત્રમાં જવાની મંજુરી કોણે આપી તેનો જવાબ મળવો જરૂરી છે. શ્રી ગોહીલે જણાવ્યું કે આ ફકત એક બોગસ વ્યક્તિની વાત નથી પણ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા છે. ખુદને વડાપ્રધાન કાર્યાલયના મહત્વના વ્યક્તિ ગણાવીને તમામ સરકારી સુવિધાનો ઉપયોગ કર્યો. બેઠકો યોજી અને છતા પણ કોઈએ રોકયા નહી તે એક ખરેખર ગંભીર બાબત છે. હવે નિયમ 267 મુજબ ચર્ચા આપવી કે કેમ તે નિર્ણય અધ્યક્ષ લેશે. બીજી બાજુ ભાજપના સાંસદોમાં પણ કિરણ પટેલની જબરી ચર્ચા છે અને કિરણ પટેલ પાછળ કોણ છે તે અંગે સૌ એકબીજા સાથે ચર્ચા કરતા હોવાનું સુત્રએ જણાવ્યું હતું.