Gujarat
વિંછીયામાં દંપતિની કમળપૂજા : હવનકુંડમાં માથા હોમી દીધા : રાજ્યભરમાં ખળભળાટ

રઘુવીર મકવાણા
અંધશ્રદ્ધા કરાવે એવું કોઈ ન કરાવે! : માતા-પિતાએ બે સગીર સંતાનોનું શું થશે? એ પણ ન વિચાર્યું ; પતિ હેમાનું મસ્તક કુંડ બહાર તો પત્ની હંસાનું માથું હવનમાં ભડથું થઈ ગયું: બનાવથી પંથકમાં ખળભળાટ મચી ગયો
દંપતી 12 વર્ષીય પુત્ર હરસુખ અને 15 વર્ષીય પુત્રી મમતાને આગલે દિવસે જ મામાના ઘરે મૂકી આવ્યા હતા, ઘટના સ્થળેથી દંપતીના મોબાઈલ ફોન મળ્યા : મોઢુકા રોડ પર વાડીમાં જ રહેતા : ખેતરમાં તાંત્રિક વિધિ કરવા મકાનથી દૂર કોઈ આવતું જતું ન હોય તેવી જગ્યાએ દંપતીએ ઝૂંપડામાં હવન કુંડ બનાવેલો
વહેલી સવારે 4.57 વાગ્યે વોટ્સએપ સ્ટેટ્સમાં દંપતીએ પોતાની છેલ્લી સેલ્ફી મૂકી, લોહીનું તિલક કર્યું હોય પ્રથમ હાથમાં કાપો માર્યાની શક્યતા, મૃતદેહોનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ થયું
વિંછીયા પંથકમાં ખળભળાટ મચાવતી ઘટના ગત રોજ બની હતી. જ્યાં એક ખેતરમાં તાંત્રિક વિધિ કરી દંપતીએ હવન કુંડમાં પોતાના માથા હોમી દીધા હતા. “અમારા હાથે જીવનો ત્યાગ કરીએ છીએ” તેમ કમળપૂજા કર્યા પહેલા બન્નેએ લખેલો કાગળ મળી આવ્યો છે. મૃતકમાં પતિનું નામ હેમાભાઈ ભોજાભાઈ મકવાણા(ઉ.વ.38) અને પત્નીનું નામ હંસાબેન(ઉ.વ.35) હોવાની ઓળખ થઈ હતી. વહેલી સવારે 4.57 વાગ્યે વોટ્સએપ સ્ટેટ્સમાં દંપતીએ પોતાની છેલ્લી સેલ્ફી મૂકી હતી. એટલે ત્યાર બાદ વહેલી સવારે 5થી 6 વાગ્યા દરમિયાન પગલું ભર્યું હોય તેવુ અનુમાન છે. સેલ્ફીમાં બંનેએ લોહીનું તિલક કર્યું હોય, અને શિવલિંગ ઉપર પણ લોહીના છાંટા હોય પ્રથમ હાથમાં કાપો માર્યાની શક્યતા છે. મૃતદેહોનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ થયું હતું. બનાવના પગલે ડીવાયએસપી કે.જી. ઝાલા, વિંછીયા મામલતદાર, વિંછીયા પોલીસ મથકના પીએસઆઈ આઈ.ડી. જાડેજા સહિતના મોઢુકા રોડ સ્થિત વાડીએ બનાવ સ્થળે દોડી ગયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ આ બનાવ અંગે સત્તાવાર 1.30 વાગ્યે તેઓને જાણ કરાઈ હતી. સ્થળ પર પહોંચી જોયું તો ઝૂંપડામાં હવન કુંડ હતો. જેના એક છેડે દંપતીના ધડ હતા. પતિનું માથું કુંડ બહાર અને પત્નીનું માથું હવન કુંડમાં હોમાઈ જતા ભડથું થઈ ગયું હતું.
દ્રશ્ય જોતા અનુમાન લગાવાયું છે કે, લોખંડનો માચડો તૈયાર કરાયો હતો. જે દોરડા પર માચડો લટકતો હતો તે દિવાની ઝાળથી સળગી દોરડું તૂટી જાય તે રીતે દીવો ગોઠવ્યો હતો અને દીવો સળગાવી દંપતી ગાદલું પાથરી હવન કુંડની પારી પર આકાશ તરફ માથું રાખી સુઈ ગયા. જે પછી દિવાની ઝાળે દોરડું તૂટ્યું અને ધારદાર લોખંડની પ્લેટ સાથેનો આશરે 10 મણ વજનનો માચડો ગરદન પર પડતા બન્ને દંપતીના માથા ઘડથી અલગ થઈ ગયા હતા. પોલીસને સ્થળ પરથી અન્ય કોઈ તંત્ર મંત્રનું સાહિત્ય કે બીજો કોઈ સુરાગ મળ્યો નથી. પરિવારની પૂછપરછમાં ખુલ્યું હતું કે, બન્ને પતિ-પત્ની છેલ્લા ત્રણ વર્ષથી પૂજા વિધિ કરતા હતા. હંસા બેનના પિતરાઈ ભાઈ જેન્તીભાઈ જતાપરાના જણાવ્યા મુજબ તેમના બહેને તો ઘરમાં રામાપીરનું મંદિર પણ બનાવ્યું હતું. અને બે મહિના પહેલા હવનકુંડ કર્યો હતો જેમાં નિયમિત પૂજા વિધિ કરતા હતા. પોલીસ સુત્રોનું માનીએ તો લાંબા સમયથી બન્ને તાંત્રિક વિધિ કરતા હતા અને અંધશ્રદ્ધામાં ડૂબેલા હતા. આવું પગલું ભરતા પહેલા સંતાનોની પણ ચિંતા કરી નહોતી. મૃતકોને સંતાનમાં પુત્ર અને પુત્રી છે. આ બન્ને સંતાનને આગલા દિવસે જ મામાના ઘરે મૂકી આવ્યા હતા. અને પછી કમળ પૂજા કરી હતી. શનિવારે રાત્રે બન્ને પિતા ભોજાભાઈને મળીને વાડીએ આવેલા ઘરે ગયા હતા.
ત્યાંથી રાત્રી દરમિયાન વિધિ કરવા ક્યારે હવનકુંડની ઝૂંપડીએ પહોંચ્યા તેનો કોઈને ખ્યાલ નથી.પરિવારજનોનું કહેવું છે કે, હેમાભાઈ ક્યારેય કોઈ ભુવા પાસે જોવડાવવા ગયા નથી. કોઈ તાંત્રિક પણ હવન કુંડ પર આવ્યા નથી. જે વિધિ કરતા તે હેમાભાઈ પોતાની જાતે જ કરતા હતા. જોકે પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. આ તરફ આ પ્રકારે સગીર દીકરા દીકરીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા કોળી પરિવારમાં શોક છવાયો છે. ભોજાભાઈએ જણાવ્યું કે, તેમને યાદ છે ત્યાં સુધી 27 વર્ષ પહેલાં વિંછીયા પંથકના ખારચીયા(હનુમાન) ગામે આવી જ કમળ પૂજાની ઘટના બની હતી. આ તરફ ઘટના સ્થળેથી દંપતીના બે મોબાઈલ ફોન કબ્જે કરાયા છે. ઉપરાંત ફોરેન્સિક ટીમ પણ સ્થળ તપાસ કરી શકે છે