Gujarat
જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપર લીક : ભરોસાની ભેંસે પાડો જણ્યો : લાખો ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડા બંધ કરો
કુવાડિયા
ઘર ફૂટે ઘર જાય તે મંડળમાંથી જ કોઈ ભેદી માણસ પેપરકાંડ કરાવતું હોવાની ઉમેદવારોની આશંકા, પ્રિન્ટિંગ પ્રેસમાંથી અગાઉ હેડ ક્લાર્કનું પેપર લીક થયું હતું તેની તપાસનું ફીડલું વાળી દેવામાં આવ્યુ
જુનિયર ક્લાર્કની 1100 જગ્યાઓ માટે આજે યોજાનારી લેખિત પરીક્ષા પેપર લીક થતા રદ કરી દેવામાં આવ્યા બાદ રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આમ આદમી પાર્ટીથી લઈ કોંગ્રેસે સનસનીખેજ આક્ષેપ કર્યા છે ત્યારે પંચાયત પસંદગી સમિતિના સભ્ય જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે. ભરોસાની ભેંસ જેમ પાડો જણે તેમ વારંવાર પેપરો લીક થઈ રહ્યા છે પણ સરકાર કે પસંદગી સમિતિને આંખે મોતિયા આવી ગયા હોય તેમ કોઈ કડક કાર્યવાહી કરતું નથી. આજે લાખો ઉમેદવારોના સપના ચપનાચૂર થઈ ગયા છે. આખરે પેપર ક્યાંથી લીક થાય છે ? ફુલપ્રુફ સિસ્ટમમાં ક્યાં કાણું છે ? કોણ આ બધું કરાવે છે તેનો પર્દાફાશ થવો જરૂરી છે.
અગાઉ હેડ ક્લાર્કનું પેપર સાણંદ પાસેથી પ્રિન્ટિંગ પ્રેસમાંથી લીંક થયું હતું. તત્કાલીન ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરા સામે શંકાની સોય તકાઈ હતી પણ કોઈ જ તપાસ કરવામાં આવી ન હતી. મોટા મગરમચ્છોને બચાવીને દલાલો અને વિદ્યાર્થી જેવી નાની માછલીઓને પકડવામાં આવી હતી. હજુ હેડ ક્લાર્કની પરીક્ષાના લાખો પરિવારને ન્યાય મળ્યો નથી. હવે તપાસનું નાટક કરવામાં આવશે અને પરપ્રાંતમાંથી એક બે શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવકતા મીડિયા સામે પ્રગટ થશે.
અને કોઈ કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં તેવી ડાહી ડાહી વાતો કરશે અને અંતે તપાસનું ફીડલું વાળી દેવામાં આવશે. 9 લાખ ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડા કરવાનું કોઈને અધિકાર નથી વારંવાર ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે પણ કડક કાર્યવાહી થઈ શકતી નથી આખરે આ પેપર લીક કરવામાં માસ્ટર માઈન્ડ કોણ છે એ જાણવામાં કોઈને રસ નથી અને ગોપનીયતા અને મજબૂર તલ્લેબંધી હોવા છતાં પેપર ક્યાંથી લીક થઈ રહ્યું છે તેનો સરકાર જવાબ આપે તેવું ઉમેદવારો જણાવી રહ્યા છે.
પ્રિન્ટિંગ પ્રેસ ફૂટેલું છે કે મંત્ર જ ફૂટેલું છે તેનું સત્ય બહાર આવવું જોઈએ જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવા કરવામાં આવ્યા બાદ લાખ્ખો ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ છે. મંડળ હવે નવેસરથી પરીક્ષા લેવાની જાહેરાત કરશે પણ જો વારંવાર આવી ઘટના બનતી હોય તો પરીક્ષા લેવાનું જ બંધ કરી દો શા માટે લાખો ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે. ભરોસાની ભાજપ સરકારમાં હવે ઉમેદવારોને વિશ્વાસ રહ્યો નથી પેપરો ધાણીની જેમ ફૂટ્યા કરે છે અને લાખો ઉમેદવારો વારંવાર હતાશામાં ગરકાવ થઈ જાય છે.