Connect with us

Gujarat

આદર્શ ગામ રેંકિંગમાં આ ગામ દેશમાં પાંચમા અને ગુજરાતમાં પ્રથમ નંબરે!

Published

on

In the ideal village ranking, this village is the fifth in the country and the first in Gujarat!

સાંસદ આદર્શ ગામ યોજના અંતર્ગત કેન્દ્રિય ગૃહ મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે વર્ષ 2020માં સાણંદ તાલુકાના મોડાસર ગામને દત્તક લીધુ હતું. આદર્શ ગામ રેન્કિંગમાં સાણંદ તાલુકાનું આ મોડાસર ગામ (2 સપ્ટેમ્બર સુધી) દેશમાં પાંચમાં અને ગુજરાતમાં પ્રથમ નંબરે છે. મોડાસર ગામ અંદાજિત 7 થી 8 હજારની વસ્તી ધરાવતું ગામ છે. હાલમાં આદર્શ ગામના પેરામિટર્સ પર ખરું ઉતરે તેવી તમામ પ્રકારની સુવિધાઓ આ ગામમાં જોવા મળે છે.

જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે કે સાંસદ અમિત શાહે દત્તક લીધેલા મોડાસર ગામમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ ગ્રામજનો સુધી પહોંચી છે. મોડાસર ગામમાં બાળકો માટે આંગણવાડી, પ્રાથમિક શાળાની વ્યવસ્થા છે. ગામમાં ઇ-ગ્રામ સેન્ટર, ગ્રામજનો માટે સ્વાસ્થ્ય કેન્દ્ર, મહિલાઓ માટે સખી મંડળ, ગામજનોના અવરજવર માટે પાકા રસ્તાઓ, સાફ-સફાઈની પુરતી વ્યવસ્થા તેમજ ઘેર-ઘેરથી કચરો એકત્રિત કરવામાં આવે છે.
જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયાએ જણાવ્યું છે કે ગામના દરેક ઘરમાં શૌચાલય અને ગટરની વ્યવસ્થા પણ છે અને એટલું જ નહીં નળ દ્વારા દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાય છે. તેના પગલે ”નલ સે જલ” અભિયાનને મૂર્તિમંત કરાયું છે.

સાણંદ તાલુકાના મોડાસર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. રાજકુમાર કહે છે કે, આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોડાસર તેમજ આજુ-બાજુના 17 ગામના અંદાજિત 45000ની વસ્તીને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 15 થી 17 પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. મહિનામાં અંદાજિત 1500થી 1700 લોકો આરોગ્ય સુવિધાનો લાભ ઉઠાવે છે.
તેમણે ઉમેર્યું કે, દર મહિને 6 થી 7 પ્રસુતિ આ સેન્ટરમાં થાય છે. અહી લેબોરેટરી વાનની પણ સુવિધા છે, જેનો ફાયદો મોડાસર તેમજ આજુ-બાજુના ગામજનોને મળી રહ્યો છે. મોડાસર ગામમાં વેક્સિનેશન( પ્રથમ અને બીજો ડોઝ) 100 ટકા પૂર્ણ થઇ ગયું છે. પ્રીકોસન ડોઝ પણ 70 થી 80% લોકોને આપી દેવામાં આવ્યો છે. સાથો-સાથ આ ગામજનોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી આરોગ્યલક્ષી યોજનાનો લાભ પણ મળી રહ્યો છે.

મોડાસર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રવીણભાઈ મકવાણા કહે છે કે, મોડાસર ગામના વિદ્યાર્થીઓને તમામ ભૌતિક સુવિધાઓનો લાભ મળી રહ્યો છે. આ પ્રાથમિક શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, ગૂગલ ક્લાસ તેમજ સ્માર્ટ ક્લાસ થકી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અમે ગૂગલ ક્લાસ થકી બાળકોને દેશ-વિદેશનું શિક્ષણ આપીને તેમના જ્ઞાનમાં વધારો કરી રહ્યા છીએ. સરકાર તરફથી વિદ્યાર્થીઓને ક્રોમ બુક પણ આપવામાં આવી છે જેમાં તેમને મેલ દ્વારા લેસન આપવામાં આવે છે.

તાજેતરમાં અમિત શાહે કેટલાક કામોનું ખાતમુહર્ત પણ કર્યું છે. મોડાસરના બાણગંગા તળાવને રી-ડેવલોપમેન્ટ માટેનું ખાતમુર્હત કર્યુ છે. બાણગંગા તળાવ મોડાસર ગામનું એક ઐતિહાસિક તળાવ છે. એટલું જ નહિ અત્રેશ્વર મહાદેવની પસંદગી મહાપ્રસાદ યોજનામાં પણ થઇ છે. ગ્રામજનોને તમામ પ્રકારની સુવિધાઓ એક જ જગ્યા પરથી મળી રહે તેવી વ્યવસ્થા પંચાયત ભવનમાં ઊભી કરાઇ છે. જેમાં ગ્રામજનોને આવકનો દાખલો, પાનકાર્ડ, આધારકાર્ડ, 7/12 ઉતારો તેમજ સરકારની વિવિધ યોજનાઓનો સમાવેશ થાય છે.

Advertisement

 

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!