Sihor
સિહોરમાં 8-8 દિવસે સુધી પાણીનું વિતરણ ના કરાતા લોકોમાં રોષ ફેલાયો : મહિલાઓ પોહચી પાલિકા
પવાર
- સિહોરમાં 8-8 દિવસે પાણીનું વિતરણ કરાતા લોકોમાં દેકારો : મહિલાઓ પાલિકા પોહચી
- પાણીની પોકાર, અનિયમિત પાણીને લઈ ભભૂકતો રોષ, નીયમીત ટેકસ વસૂલતી પાલિકા સુવિધા આપવામાં ઉણી ઉતરી, હાલ શિયાળામાં આવી સ્થિતિ છે ત્યારે આગામી ઉનાળાની કલ્પનામાત્રથી શહેરીજનો ચિંતીત
સિહોર શહેરમાં પાણીની પૂરતા પ્રમાણમાં સગવડતા હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશોની અણઆવડતના કારણે શહેરીજનો પાણીથી વંચિત રહે છેે. હાલ શિયાળામાં સિહોરવાસીઓની આવી સ્થિતિ હોય તો આગામી ઉનાળામાં પ્રજાજનોની શુ દશા થશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. તંત્રવાહકોની લાપરવાહીથી હાલ છતે પાણીએ સાત-આઠ દિવસે પાણીનું વિતરણ કરાતા લોકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે. સિહોરની એકાદ લાખની વસ્તીને પાણી પુરૂ પાડતા ગૌતમેશ્વર તળાવ ગત વર્ષે સારા વરસાદથી ભરાયેલુ છે. તેમજ અત્રે મહિ પરિએજની યોજનાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળે છે. તેમ છતાં સિહોર નગરપાલિકાના ભાજપશાસિત સત્તાધીશો અને વોટર વર્કસના સ્ટાફની અણઆવડતના કારણે શહેરીજનોને ઘેર ઘેર નળ દ્વારા સાતથી આઠ દિવસે પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.
તેમાં પણ અમુક વિસ્તારોમાં ત્રણ ત્રણ કલાકે અને પૂરતા ફોર્સથી પાણી અપાય છે. તો વળી અમુક વિસ્તારોમાં માત્ર દોઢ જ કલાક અને તે પણ સાવ લો ફોર્સથી પાણી આપવામાં આવે છે. અત્રે પૂરતા પ્રમાણમાં પાણી હોવા છતાંય ૭ થી ૮ દિવસે પાણી આપવામાં આવતા છતે પાણીએ સિહોરવાસીઓ પાણી વિહોણા રહે છે.તંત્ર દ્વારા પાણીવેરો પ્રજાજનો પાસેથી ઉઘરાવાય છે.હાલ શિયાળામાં આવી સ્થિતિ છે ત્યારે આગામી ઉનાળામાં લોકોની શી હાલત થશે તેની કલ્પનામાત્રથી લોકો ચિંતામગ્ન બની ગયા છે. નીયમીત વેરાઓ ઉઘરાવતી પાલિકા આવશ્યક સુવિધાઓ આપવામાં ઉણી ઉતરી છે. ભાજપના સત્તાધીશો પ્રજાના આ પ્રાણપ્રશ્નનો કાયમી ઉકેલ લાવવાના બદલે રાજકીય ખીચડી પકવવામાં જ રચ્યાપચ્યા રહેતા હોય શહેરીજનોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. પાણીને લઈ મહિલાઓએ નગરપાલિકા ખાતે ભારે હોબાળો કરી રજુઆત કરી પાણી નિયમિત આપવાની માંગ કરી હતી