Connect with us

Gujarat

થઈ જાઓ તૈયાર : ગુજરાતમાં આ વર્ષે આઠ હજાર પોલીસ કર્મીઓની કરાશે ભરતી

Published

on

Get ready: Eight thousand police personnel will be recruited in Gujarat this year

કુવાડિયા

ગૃહમંત્રી હર્ષ સંઘવીની મોટી જાહેરાત : ઉનાળા બાદ લેવાશે પ્રેક્ટિકલ પરીક્ષા : પોલીસ બનવા માટે મહેનત કરી રહેલા ઉમેદવારોમાં જાગી આશા

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના પોલીસ વિભાગમાં ભરતી કરવામાં આવી ન હોય નિર્ધારિત સ્ટાફથી જ ગાડું ગબડાવાઈ રહ્યું છે. બીજી બાજુ મહત્તમ સ્ટાફે ડબલ શિફ્ટમાં નોકરી કરવી પડી રહી છે જેની સીધી અસર તેમના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ પડી રહી છે. આ બધાની વચ્ચે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતાં જણાવ્યું કે ચાલું વર્ષે આઠ હજાર જેટલા પોલીસ કર્મીઓની ભરતી કરવામાં આવશે. આ પરીક્ષાર્થીઓની ઉનાળા બાદ પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ગૃહમંત્રીની આ જાહેરાતથી પોલીસ બનવા માટે મહેનત કરી રહેલા ઉમેદવારોમાં આશા જાગી ઉઠી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં સંબોધન કરતાં જણાવ્યું કે આ વર્ષે પોલીસ ખાતામાં નવી આઠ હજાર જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે.

Get ready: Eight thousand police personnel will be recruited in Gujarat this year

તેમણે જણાવ્યું કે ગૃહ વિભાગ દ્વારા આ ભરતી પ્રક્રિયાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એકંદરે 2023ના વર્ષમાં જ તમામ ભરતી કરી લેવાનો સરકારનો લક્ષ્યાંક છે. જ્યારે પરીક્ષાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા ઉનાળો પૂર્ણ થયા બાદ લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગમાં અત્યારે સ્ટાફની તાતી ખેંચ વર્તાઈ રહી છે જેની અસર ડિટેક્શન સહિતના મહત્ત્વના પરિબળો ઉપર પણ વર્તાઈ રહી છે તો રાજ્યના લગભગ દરેક પોલીસ મથકમાં અત્યારે મંજૂર મહેકમ પ્રમાણે સ્ટાફ તૈનાત ન હોવાથી જે તે પોલીસ મથકમાં ફરજ બજાવતાં અધિકારીઓ-કર્મચારીઓએ ડબલ શિફટમાં કામગીરી કરવી પડી રહી છે. જો સરકાર દ્વારા આઠ હજાર જેટલી ભરતી કરવામાં આવશે તો ખાલી પડેલી જગ્યાઓ ભરાઈ જશે જેનો ફાયદો ગુનાખોરી નિવારણમાં તો મળશે જ સાથે સાથે ડબલ શિફ્ટમાં નોકરી કરતાં સ્ટાફે પણ ઘણેઅંશે રાહત મળવા પામશે. બીજી બાજુ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવતાંની સાથે જ પોલીસ બનવા માટેની તૈયારી કરી રહેલા ઉમેદવારોએ પૂરજોશમાં મહેનત શરૂ કરી દીધી છે અને દિવસ-રાત જોયા વગર લેખિત તેમજ ફિઝિકલ ટેસ્ટ માટે તૈયારી કરવામાં આવી રહી છે. હવે સરકાર દ્વારા પરીક્ષાની તારીખ જાહેર થાય તેના ઉપર ઉમેદવારો મીટ માંડીને બેઠા છે.

Advertisement
error: Content is protected !!