Bhavnagar
મતદાન અવશ્ય કરજો, દિલથી કરજો, પ્રેમથી કરજો, આનંદથી કરજો અને શાંતિથી કરજો : મિલન કુવાડિયા
- લોકશાહીના આ અવસરમાં મતદાન કરવા શંખનાદ સંચાલક અને લોકનેતા મિલન કુવાડિયાની અપીલ
ભાવનગર સહિત રાજ્યના 19 જિલ્લાઓની 89 વિધાનસભા બેઠકો માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022નું પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં પોતાના મતાધિકાર થકી સહભાગી થવા સૌ મતદારોને શંખનાદ સંચાલક અને લોકનેતા મિલન કુવાડિયાએ અપીલ કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 અંતર્ગત તા. 01 ડિસેમ્બરને ગુરૂવારના રોજ પ્રથમ તબક્કામાં રાજ્યના 19 જિલ્લાઓની 89 બેઠકો માટે 14,382 મતદાન મથક સ્થળો પર કુલ 25,430 મતદાન મથકો ખાતે મત આપવાનો પવિત્ર અવસર યોજાવાનો છે. લોકશાહીના આ અમૂલા અવસરમાં 2,39,76,670 મતદારો પોતાના મતાધિકારના ઉપયોગ થકી સહભાગી થઈ શકશે. તમામ મતદારો મતદાનની આ નૈતિક જવાબદારીને સુપેરે નિભાવે તે માટે શંખનાદ સંચાલક અને લોકનેતા મિલન કુવાડિયાએ મતદાનનું મહત્વ સમજાવી મતની શક્તિનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.
મતદારોને અપીલ કરતાં મિલન કુવાડિયાએ જણાવ્યું કે, લોકશાહી ના આ પવિત્ર પર્વ માં મત આપવો તે આપણી નૈતિક જવાબદારી છે અને તે બધાએ નિભાવવાની હોય છે. મારો એક મત નહિ આપવાથી શું ફર્ક પડશે ? તેમ માનવું જરા પણ વાજબી નથી. એક મત ની કિંમત પાણીના એવા ટીપાં જેટલી છે જે સમુદ્ર બનાવે છે. જો પાણીનું એક ટીંપુ વિચારે કે હું ના હોવ તો સમુદ્ર ને શું ફર્ક પડે અને આ રીતે બધાં જ પાણીનાં ટીપાં વિચારે તો સમુદ્ર જ ના રચાય. એટલે મત તો જરૂર આપવાનો. વધુમાં કુવાડિયાએ ઉમેર્યું કે, લોકશાહી એટલે લોકો માટે, લોકોથી અને લોકો દ્વારા ચાલતી સરકાર. લોકશાહીમાં લોકો જ સર્વોપરી હોય છે, માટે મત જરૂર આપજો. લોકશાહીના આ અવસરને આપણે બધાં પોત પોતાના મતની શક્તિનો ઉપયોગ કરીને ઉજવીએ.