Connect with us

Bhavnagar

છેલ્લો દિવસ : આખરી રાત : કાલે જિલ્લાની 7 બેઠકો પર મતદાન

Published

on

Last day: Last night: Voting in 7 seats of the district tomorrow

કુવાડિયા

મુદ્દા વગરની ચૂંટણી અને મતદારોની ઉદાસીનતાને કારણે રાજકીય પક્ષો ઉમેદવારોમાં અજંપો : કતલની રાતે અનેકવિધ રાજકીય દાવપેચ થવાના ભણકારા : હરિફના મત તોડવા મતદાન પુર્વે જ ‘કાળુ ટપકુ’નો ખેલ : ભારે ચર્ચા : ભાજપ કોંગ્રેસ આપ સહિતના ઉમેદવારો મેદાનમાં : અનેક મંત્રી ધારાસભ્યો સહિતના મહાનુભાવોના કાલે ભાવિ ઘડાશે : છેલ્લી ઘડીએ મતદારોને પડખે લેવાના અનેકવિધ કાવાદાવા

કોઈપણ ચોકકસ મુદા વગરની બની રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકામાં ભાવનગર જિલ્લાની 7 બેઠકો સહિત 89 બેઠકો માટે આવતીકાલે મતદાન યોજાશે. તેમજ ચૂંટણી માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. છેવટ સુધી મતદારો નિરસ હોવાથી ઉમેદવારોમાં અજંપો છે છતાં જીત પાકી કરવા આજે છેલ્લી ઘડીને રાજકીય દાવપેચ જામવાની શકયતા છે. જાહેર પ્રચાર પડધમ પર ગઈસાંજથી જ પડદો પડી ગયો છે અને ઉમેદવારોએ છેલ્લી ઘડીના કાવાદાવા-પોલ પાડવા ઉપરાંત ડોર-ટુ-ડોર સંપર્કનો આશરો લીધો છે. આ વખતે ત્રિપાંખીયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હોવાથી ત્રણેય પક્ષો વચ્ચે સીધો જંગ છે. આ વખતની ચૂંટણીમાં છેવટ સુધી કામદારો નિરસ રહ્યા હોવાથી મતદાન પર કોઈ અસર વર્તાય છે કે કેમ તે વિશે પણ અટકળો પ્રવર્તી રહી છે.

વિકાસ, મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ પર શાસક-વિપક્ષોનો પ્રચાર રહ્યો હતો. મફતના વચનોની ભરમાર હતી. મતદારોએ પ્રવાસમાં રસ લીધો ન હોય તેમ મન કમાવા દીધુ નથી અને એટલે જ તમામ રાજકીયપક્ષો-ઉમેદવારોમાં અજંપો છે. છેલ્લી ઘડીના દાવપેચ અજમાવીને મતદારોને પોતાના તરફ ખેંચવાની મથામણ છે. ભાવનગર જિલ્લાની 7 બેઠકો પર જાહેર પ્રચાર પડધમ શાંત થઈ જ ગયા છે અને પ્રચાર માટે હવે ડોર-ટુ-ડોર સંપર્કનો જ આશરો છે. મતદાર ન હોય તેવા રાજકીય આગેવાનો-કાર્યકરોને મતક્ષેત્ર છોડી દેવાનો નિયમ હોવાથી છેલ્લી ઘડીનો પ્રચાર સ્થાનિક આગેવાનોના આશરે જ છે. ખાસ કરીને સ્લમ વિસ્તારોના મતો ખેંચવા માટે આજે હોડ જામવાનું સ્પષ્ટ છે અને શામ, દામ, દંડ, ભેદ સહિત કોઈપણ નીતિનો ઉપયોગ કરવાની તૈયારી રાખવામાં આવી છે. ચૂંટણીમાં લોભ-લાલચ ન અપાય તેના પર તંત્રની વોચ રહેતી હોવા છતાં આજે કતલની રાતે મોટા રાજકીય ખેલ ખેલાવાની આશંકા અસ્થાને નથી. દરમ્યાન રાજકારણમાં એવી જોરદાર ચર્ચા જામી છે કે હરિફ પાર્ટી કે ઉમેદવારની વોટબેંક તોડવા માટે મતદાન પુર્વે જ આંગળી પર કાળા કલરનું ટપકુ કરવાના કારસ્તાન થવા લાગ્યા છે. હરીફનો મત તોડવાના ઈરાદે આવા ખેલ શરૂ થવાની ચર્ચા છે. મતદારોની ઉદાસીનતા અને મુદ્દા વિનાના ચૂંટણી પ્રચાર છતાં આવતીકાલના મતદાન મહાપર્વ પુર્વે જબરી ઉતેજના પ્રવર્તે જ છે.

error: Content is protected !!