National
મોદી સરકારે ખેડૂતોના હિતમાં લીધેલો કૃષિ કાયદો શું કામ પરત લેવો પડ્યો?
દેશના ખેડૂતોના હિતમાં અને તેમની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્રની મોદી સરકારે ત્રણ કૃષિ કાયદાઓ અમલમાં લાવ્યા હતા. જોકે આ કાયદાઓનો વિરોધ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે ચાલો જાણીએ શું છે આ કાયદાઓ?
1 આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો- 2020
આ કાયદામાં, દાળ, તેલબિયા, ખાદ્ય તેલ, ડુંગળી-બટાટા જેવી આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવાની જોગવાઈ હતી. એવું માનવામાં આવી રહ્યુ હતું કે, આ કાયદાની જોગવાઈથી ખેડૂતોને યોગ્ય ભાવ મળશે. કારણ કે, બજારમાં સ્પર્ધા વધશે. જણાવી દઈએ કે, વર્ષ 1955ના આ કાયદામાં સંશોધન કરવામાં આવ્યું હતું. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરી વસ્તુઓની જમાખોરી રોકવા માટે તેમના ઉત્પાદન, સ્પલાઈ અને કીંમતને નિયંત્રણ કરવાનું હતું. મહત્વની વાત એ છે કે, સમય સમય પર જરૂરી વસ્તુઓની યાદીમાં કેટલીય જરૂરી વસ્તુઓને જોડવામાં આવી છે. ઉદાહરણ તરીકે કોરોનાકાળમાં માસ્ક અને સેનેટાઈઝરને જરૂરી વસ્તુઓમાં રાખવામાં આવી છે.
2- કૃષિ ઉત્પાદન વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) કાયદો 2020-
આ કાયદા અંતર્ગત ખેડૂતો APMC એટલે કે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બહાર પોતાનું ઉત્પાદન વેચી શકતા હતા. આ કાયદા અંતર્ગત બતાવામાં આવ્યુ હતું કે, દેશમાં એક એવી ઈકોસિસ્ટમ બનાવામાં આવશે, જ્યાં ખેડૂતો અને વેપારીઓને મંડી બહાર પાક વેચવાની છૂટ હશે. જોગવાઈ અંતર્ગત રાજ્યની અંદર અને બે રાજ્યોની વચ્ચે વેપાર વૃદ્ધિની વાત કહેવામાં આવી હતી. સાથે જ માર્કેટિંગ અને ટ્રાંસપોર્ટેશન પર ખર્ચ ઓછો કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નવા કાયદા મુજબ ખેડૂતો અથવા તેમના ખરીદદારને યાર્ડને કઈ ફી આપવાની રહેતી નથી.
3 ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020
આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને તેમના પાકની નિશ્ચિત કિંમત આપવાનો હતો. જે અંતર્ગત કોઈ ખેડૂત પાક ઉગાડતા પહેલા કોઈ વેપારી સાથે કરાર કરશે. આ કરારમાં પાકની કિંમત, પાકની ગુણવત્તા, માત્રા અને ખાતર વગેરેના ઉપયોગ અંગેની વાત તેમાં શામેલ હતી. કાયદા અંતર્ગત ખેડૂતોને પાકની ડિલીવરી સમયે 2/3 રકમ ચુકવણી કરવામાં આવે અને બાકીના પૈસા એક મહિનાની અંદર આપવાના રહેશે. તેમાં એવી પણ જોગવાઈ હતી કે, ખેતરમાંથી પાક ઉપાડવાની જવાબદારી વેપારીની હોય છે. જો એક પક્ષ કરારને તોડે છે તેના પર દંડ લગાવામાં આવશે. માનવામાં આવી રહ્યુ હતું કે, આ કાયદો કૃષિ ઉત્પાદનોના વેચાણ, ફાર્મ સેવાઓ, કૃષિ બિઝનેસ ફર્મો, પ્રોસેસર્સ, છૂટક વેપારીઓ, જથ્થાબંધ વેપારીઓ અને રિટેલરો સાથે ખેડૂતોને જોડી સશક્ત બનાવા હતાં.
ખેડૂતો શા માટે કરી રહ્યા હતા આ કાયદાનો વિરોધ
ખેડૂત સંગઠનોએ આરોપ લગાવ્યો હતો કે, નવો કાયદો લાગુ થતાં જ કૃષિ ક્ષેત્ર પણ મૂડીવાદીઓ અથવા કોર્પોરેટ ગૃહોના હાથમાં જતો રહેશે, જેનાથી ખેડૂતોને મોટું નુકસાન થશે. નવા બિલ અનુસાર, સરકાર માત્ર અસાધારણ સંજોગોમાં જ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને નિયંત્રિત કરશે. આવા પ્રયાસો દુષ્કાળ, યુદ્ધ, અણધાર્યા ભાવ ઉછાળા અથવા ગંભીર કુદરતી આફતો દરમિયાન કરવામાં આવ્યા હશે.
નવા કાયદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, આ વસ્તુઓ અને કૃષિ ઉત્પાદનોના સંગ્રહખોરી પર કિંમતોના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે શાકભાજી અને ફળોના ભાવ 100 ટકાને વટાવી જશે, ત્યારે સરકાર આ માટે આદેશ જારી કરશે. નહિંતર, નાશ ન પામે તેવા અનાજના ભાવમાં 50 ટકાનો વધારો થયો હોત. ખેડૂતોએ કહ્યું કે, આ કાયદામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે, ખેડૂતોને બજારની બહાર લઘુત્તમ ભાવ મળશે કે નહીં. આવી સ્થિતિમાં એવું બની શકે છે કે, જો કોઈ પાકનું વધુ ઉત્પાદન થશે તો વેપારીઓ ખેડૂતોને ઓછા ભાવે પાક વેચવા દબાણ કરશે. ત્રીજું કારણ એ હતું કે, સરકાર પાકના સંગ્રહની છૂટ આપી રહી છે, પરંતુ ખેડૂતો પાસે શાકભાજી કે ફળોનો સંગ્રહ કરવા માટે પૂરતા સંસાધનો જ નથી.
કૃષિ કાયદાઓ પર એક વર્ષથી વધુના આંદોલન પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંસદમાં પસાર કરાયેલા ત્રણ વિવાદાસ્પદ કાયદાઓને રદ કરશે. પીએમ મોદીએ દેશની જનતાની માફી માંગી અને કહ્યું કે સરકાર “ખેડૂતોના એક વર્ગને ખેતીના કાયદાઓ પર મનાવવામાં નિષ્ફળ રહી છે”. તેમણે કહ્યું કે આ મહિનાના સંસદ સત્ર દરમિયાન ત્રણ વિવાદાસ્પદ કાયદાઓ રદ કરવામાં આવશે.
વડાપ્રધાને કહ્યું હતું કે. હું અહીં જાહેર કરવા આવ્યો છું કે અમે ત્રણ ફાર્મ કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે… અમે સંસદના સત્ર દરમિયાન તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરીશું.તેમણે કહ્યું કે ઝીરો બજેટિંગ આધારિત કૃષિને પ્રોત્સાહન આપવા, દેશની બદલાતી જરૂરિયાતો અનુસાર પાકની પેટર્ન બદલવા અને MSPને વધુ અસરકારક અને પારદર્શક બનાવવાના વિષયો પર નિર્ણય લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે.