Bhavnagar
મહારેલીમાં લોકસભા 2024ની ચૂંટણીનું બ્યુગલ કોંગ્રેસે વગાડયું : સંઘના ગઢ નાગપુરમાં કોંગ્રેસનો હુંકાર ‘હૈ તૈયાર હમ’
કોંગ્રેસના 139માં સ્થાપના દિવસે અમે સંદેશ આપવા માગીએ છીએ કે કોંગ્રેસ પોતાની વિચારધારાથી ક્યારેય ઝુકવાની નથી: કોંગ્રેસ અધ્યક્ષ ખડગે: હાલ દેશની લોકશાહી વ્યવસ્થાના ચારેય સ્તંભ, બંધારણ ખતરામાં છે
હરીશ પવાર
કોંગ્રેસ પાર્ટીના આજે 139મા સ્થાપના દિને કોંગ્રેસે રાષ્ટ્રીય સેવક સંઘના ગઢ નાગપુરમાં ‘હૈ તૈયાર હમ’ મહારેલી યોજી હતી. આ મહારેલીની સાથે જ કોંગ્રેસે 2024 લોકસભા ચૂંટણી અભિયાનનું બ્યુગલ પણ ફુંક્યું હતું. કોંગ્રેસે આ મહારેલી દીક્ષાભૂમિમાં યોજી હતી. જ્યાં ડો. ભીમરાવ આંબેડકરે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ રેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ હાજર હતાં. આ તકે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ જણાવ્યું હતું કે, સ્થાપના દિવસે અમે બધા મળીને દેશને એક સંદેશ આપવા માગીએ છીએ કે કોંગ્રેસ પાર્ટી પોતાની વિચાર ધારાથી ક્યારેય ઝુકવાની નથી, અને પોતાની વિચારધારાથી આગળ વધશે અને આ સંદેશ અમે નાગપુરથી આપવા માંગીએ છીએ. આ મહારેલી એટલા માટે મહત્વની છે કારણ કે તે આરએસએસના ગઢ અને મુખ્યાલય નાગપુરમાં યોજાઇ છે.
આ રેલી કાર્યક્રમ સ્થળે પ્રેસ કોન્ફરન્સમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ જણાવ્યું હતું કે, આ દેશના લોકો માટે ઐતિહાસિક ક્ષણ હશે. પાર્ટી કેન્દ્રની સત્તાથી ભાજપને હરાવવા માટે પરિવર્તનનો સંદેશ આપશે. પટોલેએ જણાવ્યું હતું કે દેશની લોકશાહી વ્યવસ્થા બંધારણ અને લોકશાહીના ચારેય સ્તંભ ખતરામાં છે. આ વ્યવસ્થાઓને અક્ષુણ્ણ રાખવા માટે કોંગ્રેસ પાર્ટીની જવાબદારી છે. કટોકટી બાદ ઇન્દિરા ગાંધીએ નાગપુરમાં એક જનસભા કરી હતી. અને ત્યાર કોંગ્રેસ વિદર્ભમાં બધી સીટો જીતી હતી. નાગપુરમાં ઇતિહાસનું પુનરાવર્તન કરવામાં આવશે અને તે દેશનું એક મોટું પરિવર્તન હશે. પટોળેએ જણાવ્યું હતું કે કોંગ્રેસના 60 વર્ષ સત્તામાં રહેવા દરમ્યાન જવાહરલાલ નહેરુથી માંડીને મનમોહનસિંહે બધાએ ભારતને મહાશક્તિ બનાવવાનો પ્રયાસ કર્યો છે.દુર્ભાગ્યે છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશને સૌથી નીચા સ્તરે લાવી છે. નીતિ-ધર્મના નામે સાંપ્રદાયિક તનાવ પેદા કરી દેશને પતન તરફ લઇ જવાયો છે.