Sihor
આટઆટલું જનસમર્થન હોવાનાં દાવાઓ… તો પછી સત્તા માટે કાવતરાં કેમ કરવા પડે છે.? સિહોર તાલુકાનાં લાખો લોકોના મનમાં એક જ સવાલ.
પરેશ
રાજકારણ સમાજનો એક મહત્વનો ભાગ છે, પણ જ્યારે એ રાજકારણમાં ગંદવાડ આવી જાય ત્યારે સમાજને જ કોઈને કોઈ રીતે નુકશાન થતું હોય છે, સિહોરમાં આજે ખૂબ મોટો હાઈવોલ્ટેજ ડ્રામા થઈ ગયો, ડ્રામા હતો તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીના કારણે, દરેક પક્ષ ઈચ્છે કે પોતાના જ હોદ્દેદારો ચૂંટાય, પણ જ્યારે કાવતરાં કરીને હોદ્દેદારો બનાવવાની રાજનીતિ કરવામાં આવે ત્યારે જનતા સામે સૌ ઉઘાડા થઈ જાય છે, આજે સિહોર શહેર અને તાલુકામાં આ જ ગંદી રાજનીતિની ચર્ચાઓ થઈ રહી છે, ચર્ચાઓ એવી છે કે કોંગ્રેસના તાલુકા પંચાયતના સભ્યો મતદાન સમયે કચેરીએ ન પહોંચી શકે તે માટે પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો તેવા આરોપો થયા અને કોઈને કોઈ પ્રકારે બે થી ત્રણ જેટલા સભ્યો ઉપર આજે જ પોલીસ કેસ કરવામાં આવ્યો, સરકારી તંત્રનો આટલી હદે ગેરઉપયોગ એ ખરેખર ગંભીરતાથી વિચારવા જેવી બાબત છે, વાતો એવી પણ થઈ રહી છે કે આ સભ્યોને લલચાવવામાં પણ આપ્યા અને કોઈને કોઈ રીતે ડરાવવામાં પણ આવ્યા, આ તમામ કાવતરાઓ માત્રને માત્ર પોતાની પાર્ટીના લોકોને પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવવાના પ્રયત્નોના કારણે થયા.
અમુક રાષ્ટ્રહિતના મુદ્દાઓના કારણે, અમુક પ્રકારના વિકાસના કારણે લોકો સત્તા પક્ષના પડખે વર્ષોથી ઊભા રહ્યા છે ત્યારે સત્તા પક્ષની પણ એટલી જ જવાબદારી બને છે કે રાષ્ટ્રથી લઈ અને નાનામાં નાના ગામડાઓ સુધી એક સ્વચ્છ અને ચોખ્ખી રાજનીતિનું વાતાવરણ ઊભું કરવામાં આવે, પણ અહીંયા તેનાથી વિપરીત, આ જ સત્તાપક્ષ આજે સિહોરમાં થયેલા કાવાદાવાઓ પ્રકારની રાજનીતિથી લોકોમાં તેની ભૂંડી છાપ ઊભી કરે છે. અમુક ચોક્કસ પ્રકારના સિદ્ધાંતોના આધારે ચાલતી રાજનીતિક પાર્ટીઓ જ્યારે આ પ્રકારના કાવાદાવાઓ રચીને સત્તા મેળવતી હોય તો પછી દેશમાં લોકશાહી નું મૂલ્ય શું રહ્યું? સરકારીતંત્ર અને ખાસ કરીને પોલીસતંત્રનો આ પ્રકારનો દુરુપયોગ લોકતંત્ર માટે ખૂબ ઘાતક છે અને જો સમાજનાં છેવાડાના માણસના ઉદ્ધાર માટેના કાર્યો કર્યા જ છે તો પછી આ પ્રકારના કાવાદાવાઓની જરૂર શું? ત્યારે હવે એવો પણ સવાલ ઊભો થાય કે ખરેખર વિકાસની વાતો માત્ર વાતો જ રહી છે કે કેમ?