Gujarat
મુખ્યમંત્રીના પુત્ર અનુજ પટેલને વધુ સારવાર માટે મુંબઈની હિન્દુજા હોસ્પીટલમાં ખસેડાયા

કુવાડિયા
સી.એમ. ભુપેન્દ્રભાઈ પટેલ પણ સાથે ગયા : બ્રેઈન સ્ટ્રોક બાદ તાત્કાલિક સર્જરી થઈ : મુખ્યમંત્રીના તમામ કાર્યક્રમો રદ
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના એકમાત્ર પુત્ર અનુજ પટેલને ગઈકાલે બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવતા તેઓ પર તાત્કાલીક કે.ડી.હોસ્પીટલમાં બ્રેઈન સર્જરી કરવામાં આવી હતી અને હવે વધુ સારવાર માટે મુંબઈમાં હિન્દુજા હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગઈકાલે જ તેમના પુત્રના સ્વાસ્થ્યના કારણે તેમના તમામ સતાવાર કાર્યક્રમો રદ કર્યા હતા અને આજે પણ તેઓ ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના જામનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પણ હાજરી આપી ન હતી અને તેઓ પુત્રની સારવાર માટે મુંબઈ જવા રવાના થયા છે. ગઈકાલે રવિવારે બપોરે અનુજ પટેલ અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કુટુંબે બપારે સાથે ભોજન લીધુ હતું અને બાદમાં અનુજ પટેલનું સ્વાસ્થ્ય લથડયુ હતું.
તેઓને બ્રેઈન સ્ટ્રોકની અસર હોવાથી તાત્કાલીક સીએમનો કાફલો હજુ તૈયાર થાય તે પુર્વેજ અનુજ પટેલને સીધા કે.ડી.હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા જયાં નિષ્ણાંત તબીબોએ બ્રેઈન સ્ટ્રોકનું નિદાન કરી તાત્કાલીક ઓપરેશન કરવાનો નિર્ણય લેવાયો હતો. સાંજે તેમના પર ઓપરેશન કરાયા બાદ તબીબોની ટીમ સતત મોનેટરીંગ કરતી હતી.આજે સવારે અનુજ પટેલનું સ્વાસ્થ્ય જોયા બાદ તેમને મુંબઈ વધુ સારવાર માટે ખસેડવા નિર્ણય લેવાતા એર એમ્બ્યુલન્સ મારફત તેમને મુંબઈ ખસેડાયેલ. મુખ્યમંત્રી શ્રી પટેલ તથા તેમના કુટુંબના સભ્યો પણ મુંબઈ પહોંચ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીતભાઈ શાહ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતે ફોન કરીને અનુજ પટેલના સ્વાસ્થ્યની માહિતી મેળવી હતી તો ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ તથા આરોગ્યમંત્રી શ્રી ઋષીકેશભાઈ પટેલ પણ હોસ્પીટલે પહોંચ્યા હતા.