Bhavnagar
ભાવનગર ; વેપાર-ઉદ્યોગનાં વિવિધ પ્રશ્નો અંગે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બેઠક મળી

કુવાડિયા
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ચેમ્બરની રીટેલ ટ્રેડ કમિટીના ઉપક્રમે ભાવનગરનાં વ્યાપાર – ઉદ્યોગ અને સેવા પ્રકારની વ્યાપારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વિવિધ એસોસિએશનની મીટીંગનું આયોજન ચેમ્બર પ્રમુખ દિલીપભાઈ કમાણીના અધ્યક્ષસ્થાને ચેમ્બર હોલ ખાતે કરવામાં આવેલ.કાર્યક્રમના પ્રારંભમાં ચેમ્બરની રીટેલ ટ્રેડ કમિટીના ચેરમેન નીતિનભાઈ પટેલે યોજવામાં આવેલ આ કાર્યક્રમની સંક્ષિપ્ત રૂપરેખા આપેલ અને ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરેલ. પ્રાસંગિક પ્રવચનમાં ચેમ્બરના પ્રમુખ દિલીપભાઈ કમાણીએ જણાવેલ કે દરેક એસોસિએશન સાથે રૂબરૂ મુલાકાત થઇ શકે અને તેમના પ્રશ્નો અને તેના નિરાકરણ અર્થે ચર્ચા થઇ શકે તે હેતુથી આ મીટીંગનું આયોજન કરવામાં આવેલ હોવાનું જણાવેલ અને ઉપસ્થિત સૌને તેમના વિચારો મુક્તમને વ્યક્ત કરવા અને સંગઠિત બનવા જણાવેલ.
આ ઉપરાંત મલ્ટીનેશનલ ઓનલાઈન ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ સામે લડત આપવા સ્થાનિક ધોરણે લોકલ સર્ચ એન્જીનનો ઉપયોગ કરવા તથા વેપારીઓ-ઉદ્યોગકારોને ત્યાં કામ કરતા કામદારોનાં ઈ-શ્રમ કાર્ડ કઢાવી લેવા અનુરોધ કરેલ હતો. આ પ્રસંગે વિવિધ એસોસિએશનો દ્વારા તેમના પ્રશ્નો રજૂ કરવામાં આવેલ જેમાં ખાસ કરીને રોડ ઉપર ફેરિયાઓ અને લારીઓવાળા દ્વારા થતા ગેરકાયદેસર દબાણો, પ્લાસ્ટિક ઝબલા અંગેની ડ્રાઈવ, પીજીવીસીએલને લગતા વિવિધ પ્રશ્નો, બંદર રોડ ઉપર આવેલ જીએમબીની ભાડા પટ્ટાની જગ્યામાં લેવાતા હાઉસ ટેક્સ અંગે, ડ્રોઈંગ વાહનોનો દંડ ધટાડવા, જવેલર્સ માટે 01 એપ્રિલ-2023 થી અમલમાં આવનાર એચયુઆઇડીનાં નિયમનો અમલ મુલત્વી રાખવા, દાણાપીઠ વિસ્તારમાં ચોમાસાના સમયમાં પાણીના નિકાલ અંગે, બીએમસીના ફૂડ વિભાગ દ્વારા વેપારીઓ પાસેથી ફૂડના નમુના લેવા માટે જાય ત્યારે મીડિયાની ટીમને સાથે ન રાખવી જોઈએ, બીએમસીની ટીમ ચેકીંગમાં જાય ત્યારે તેમના ઓળખકાર્ડ બતાવતા નથી તે અંગે, જીએસટીને લગતા વગેરે જેવા અનેક પ્રશ્નો રજૂ થયેલ અને તેના નિરાકરણ માટેના ઉપાયો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ.