Sihor
લૂંટ ચલાવનાર બાવળી ગેંગ અને દાગીના ખરીદનાર સિહોરના બે સોની વેપારીને પડી આજીવન કેદ
લૂંટારૂ ગેંગ પાસેથી લૂંટનાં દાગીના ખરીદનાર સિહોરના સોની વેપારી રાજ અને શરદ પણ કેસમાં દોષિત : અમરેલીમાં જજ આર.ટી. વચ્છાણીનો ચુકાદો
બાબરા તાલુકાનાં દરેડ ગામની સીમમાં ગત તા. ૯/૬/૧૯નાં રોજ રાત્રીનાં સમયે વાડીએ રહેતા એક દંપત્તિને ૩ અજાણ્યા ઈસમોએ રેકી કરી વાડીમાં રહેતા દંપત્તિને બેહોશ થાય તેવા પદાર્થ છાંટી અને ધોકા, કુહાડી જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કરી ઘરની અંદર બાંધી ગોંધી રાખી સોના-ચાંદીના દાગીના, મોબાઈલ ફોન મળી રૂા. ૧.પર લાખની લૂંટ ચલાવાય હતી. આ અંગે જે-તે સમયે બાબરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ બનાવની તપાસ બાબરા પોલીસ ઉપરાંત એલસીબી તથા એસઓજી સહિતની ટીમ ઘ્વારા હાથ ધરવામાં આવતા અને મોબાઈલ ફોનને ટ્રેશ કરવામાં આવતા આ મોબાઈલ ફોનનું લોકેશન લાઠીદડ ગામે મળતાં પોલીસની ટીમો ત્યાં દોડી જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી અને આરોપી ફલજીભાઈ જીલુભાઈ સાઢમીયાનાં ઝૂંપડા તથા આજુબાજુની જગ્યામાં પોલીસે તપાસ હાથ ધરતા જમીનમાં દાંટેલા સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ, મોબાઈલ ફોન, જીવલેણ હથિયારો તથા નામ લખેલા વાસણ, મોટર સાયકલ નંગ-૪ તથા ઘડીયાળ જેવો મુદામાલ મળી આવતા પોલીસે ત્યાંથી આરોપી ફલજી જીલુભાઈ સાઢમીયા, કિશન ઉર્ફે ખીમો બચુભાઈ વાઘેલા, ચંદુ લખુભાઈ જીલીયા, વિસુ ઉર્ફે નનુ ચંદુભાઈ જીલીયા, ઉજીબેન ઉર્ફે બાવલી ચંદુભાઈજીલીયા, મુકેશ ઉર્ફે ભયલુ ભાથુભાઈ ઉર્ફે બાબુભાઈ વાઘેલા, મુકેશ ઉર્ફે મુકો ભાવુંભાઈ સાડમીયા, હરેશ ઉર્ફે ભુરી ચંદુભાઈ જીલીયા તથા કાળુ લખુભાઈ જીલીયાને પુછપરછ કરતાં આ તમામ આરોપીઓ અલગ-અલગ ગેન્ગ બનાવી હત્યા, લૂંટ, ધાડ, ચોરી, ધાક ધમકી આપી ગુન્હાઓ કરતા હોય.
જેમાં આરોપીઓની ગેન્ગ ઘ્વારા ચોટીલા, સાયલા, ચૂડા પંથકમાં લૂંટ, હત્યા, હત્યાનો પ્રયાસ, ચોરી, ધાક-ધમકી આપી અથવા ઝેરી પદાર્થ અથવા તો બેભાન કરી શકાય તેવા પદાર્થનો ઉપયોગ કરી ગુન્હાઓ આચરતા હોવાની કબુલાત આપી હતી. આ બનાવ અંગે બાબરા પોલીસમાં આ બનાવની અલગથી પોલીસ ફરિયાદ નોંધી જીણવટભરી તપાસ આદરતા આ ગેન્ગ ‘બાવલી ગેંગ’ તરીકે ગુજરાતમાં તરખાટ મચાવ્યો હતો.
આ અંગેનો કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપીને સત્ર ન્યાયધીશ આર.ટી. વચ્છાણીએ સરકારી વકીલ મમતાબેન ત્રિવેદીની દલીલને માન્ય રાખી અલગ-અલગ આઈપીસી કલમ નીેચે આજીવન કેદ તથા પ્રત્યેક આરોપીને રૂા. ૧૮-૧૮ હજારનાં દંડની સજાનો હુકમ કર્યો હતો. જયારે ચોરી, લૂંટ તથા ધાડ જેવા ગુન્હામાંથી આરોપીને મળેલ સોના-ચાંદીનાં દાગીના ભાવનગર જિલ્લાનાં સિહોરમાં રહેતા આરોપી રાજ મહેન્દ્રભાઈ રાજપરા તથા શરદ મોહનભાઈ રાજપરા ખરીદતા હોય જેથી આ બન્ને સોની આરોપીને પણ આજીવન કેદ તથા રૂા. ૧૩-૧૩ હજારનાં દંડની સજાનો હુકમ કર્યો હતો.