Vallabhipur
ચોગઠમાં પરંપરાગત ચીજ વસ્તુઓનું યોજાઈ ગયું કલા પ્રદર્શન
પવાર
સરકારી માધ્યમિક શાળામાં પ્રશસ્ય આયોજન
વલ્લભીપુર તાલુકાના ચોગઠ ગામની સરકારી શાળામાં પરંપરાગત ચીજ વસ્તુઓનું કલા પ્રદર્શન યોજાઈ ગયું. સરકારી માધ્યમિક શાળામાં પ્રશસ્ય આયોજનનો વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોએ લાભ લીધો. ગામડાની પરંપરાગત ચીજ વસ્તુઓ અને હસ્તકલા સાથે રહેલી સામગ્રીનું અહી પ્રદર્શન નિહાળવાનો લાભ વિદ્યાર્થીઓ સાથે ગ્રામજનોએ લીધો અને પાછલા વર્ષોનું સ્મરણ પણ કર્યું. શ્રી છગનભાઈ લાલજીભાઈ પટેલ સરકારી માધ્યમિક શાળામાં આ કલા પ્રદર્શન કાર્યક્રમ માટે સરકારી માધ્યમિક શાળા રેવાના શિક્ષક શ્રી જયપાલસિંહ ચુડાસમાનું માર્ગદર્શન મળ્યું અને શિક્ષક શ્રી પ્રભાતભાઈ મકવાણા દ્વારા વિધાર્થીઓને માહિતી આપવામાં આવી.
અહી માટીકલા, કાષ્ઠકલા, ચર્મકલા, ભરતગૂંથણ, અલંકાર, આભૂષણ, સાહિત્યિકકલા, પહેરવેશ, મોતીકલા સાથેની ઘણી બધી જૂની વસ્તુઓ વિધાર્થીઓના ઘરેથી મંગાવી આ પ્રદર્શનમાં પ્રસ્તુત કરવામાં આવેલ. આ પ્રદર્શન નિહાળવા ચોગઠ ગામની તમામ પ્રાથમિક શાળા સાથે માધ્યમિક શાળાના વિધાર્થીઓ અને શિક્ષકગણ સાથે ગ્રામજનો જોડાયા હતા. શાળાના આચાર્યશ્રી પ્રતિપાલસિંહ ગોહિલના સંકલન સાથે આ પ્રદર્શનનું ઉદ્દઘાટન શાળામાં ધોરણ-૧૦ માં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયેલ વિધાર્થીની કુમારી શોભના ડાભી દ્વારા કરાવવામાં આવ્યું હતું. અહી રાસ ગરબાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ સૌએ માણ્યો હતો.