Bhavnagar
અમરેલી કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણી સાયકલમાં ગેસ સિલિન્ડર પોસ્ટર સાથે મતદાન કરવા પહોંચ્યા
કુવાડિયા.
ધાનાણીની પુત્રી પ્રથમ વખત મતદાન માટે સાયકલમાં તેલના ડબ્બા સાથે પસાર થતાં લોકોમાં કુતુહલ : મોંઘવારીનો પડધો પાડયો : પરિવાર સાથે મતદાન કર્યુ
ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજે અમરેલીમાં ગજેરાપરામાં આવેલ શ્રીમતી મંગળાબેન બાલમંદિર ખાતે તેમના પરિવાર સાથે સાયકલ પર જઈને મતદાન કર્યુ છે.ધાનાણીએ સવારે પૂજા-અર્ચન કરીને માતાના આશીર્વાદ લીધા ત્યાર બાદ તેઓ પરિવાર સાથે સાયકલની પાછળ ગેસનો બાટલો, તેલનો ડબ્બો લઇને મતદાન કરવા પહોંચ્યા હતા.આ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણીની મોટી દીકરી સંસ્કૃતિ પહેલીવાર મતદાન કરી રહી છે. તે પણ સાઇકલ પર તેલનો ડબ્બો લઇને પ્રતિકાત્મક વિરોધ કરીને મતદાન કરવા પહોંચી હતી. આ સાથે તેમના માતા, પત્ની, અન્ય દીકરી અને તેમના ભાઇ શરદભાઈ અને તેના પત્ની પણ મતદાન કરવા પહોંચ્યા હતા.મતદાન કર્યા બાદ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં 27 વર્ષથી સતત ભાજપના રાજમાં ગુજરાત બેહાલ થઈ ગયું છે.
રાજ્યમાં આજે ગરીબના ઘરે બે ટાઈમ ચૂલો સળગાવવાની સમસ્યા છે. મોદી સાહેબની મહેરબાનીથી રાજ્યમાં આજે ગેસ નો બાટલો રૂ. 1120 નો થયો છે. પેટ્રોલ ડીઝલ પણ રૂ.100 ને પાર થયું છે. તેલનો ડબ્બો રૂ.3000 ને પાર પહોંચી ગયો છે. ગરીબોને ઘરે વઘાર કેમ કરવો એની ચિંતા સતાવી રહી છે. ત્યારે રાજ્યમાં મંદી, મોંઘવારીમાંથી ગુજરાતની જનતાએ મુક્ત થવા, અત્યાચાર અને ભ્રષ્ટાચારના શાસનમાંથી લોકોએ મુક્તિ મેળવવા આજે ખુબજ સમજી વિચારીને મતદાન કરવાનું છે.ત્યારે અમારો પરિવાર વહેલો સમજી ગયો છે અને વહેલા ઊઠીને મતદાન કર્યું છે. ત્યારે અમારો મત મંદી, મોંઘવારી, બેરોજગારી, નફાખોરી અને કાળાબજારીને હરાવવા, પોતાનું સ્વાભિમાન બચાવવા તેમજ અત્યાચાર અને ભ્રષ્ટાચારના શાસનમાંથી મુક્તિ માટે આપ્યો છે. ત્યારે રાજ્યના મતદારોને વિનંતી કરતા કહ્યું હતું કે આપ પણ આપનાં સ્વાભિમાનને બચાવવા માટે, શાસકોના અહંકારને ઓગાળવા મતદાન કરજો.