Sihor
પાણી ઉકેલના તમામ દાવાઓ પોકળ
દેવરાજ
સિહોર ; ભાજપના ગઢમાં ગણાતા શ્રીજીનગર કૈલાસનગર કેશવપાર્ક સહિત વિસ્તારોની મહિલાઓ રણચંડી બની ; પાણીની વિકટ સમસ્યાને લઈ લોક આક્રોશ
એક તરફ ગુજરાત મોડલની મસ મોટી વાતો કરવામાં આવે છે. ગુજરાતના વિકાસની મોટી તસવીર બતાવવામાં આવે છે. પરંતુ હજી પણ ગતિશીલ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ દયનીય છે. 21 મી સદીમાં પણ અને વિકાસશીલ ગુજરાતમાં પણ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. સિહોર એ ભાજપનું ગઢ ગણાય છે જ્યાં હંમેશા પાણીની મોકાણ જોવા મળે છે. ભાજપનો ગઢ ગણાતા શ્રીજીનગર કૈલાસનગર કેશવપાર્ક સહિત વિસ્તારોમાં પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. શાસકો તેમજ તંત્ર દ્વારા પાણીના આ પ્રશ્નને ઉકેલવા માટે કોઈ પ્રયાસો કરવામાં આવતા નથી. પાણી પ્રશ્ને લઈ હંમેશા મોટા દાવાઓ થતા આવ્યા છે.
તેમજ અલગ બહાના બતાવીને લોકોને દિલાસા આપવામાં આવી રહ્યા છે. આમતો સિહોરમાં વર્ષોથી પાણીની પારાયણ સર્જાય છે અને તેનો કોઈ ઉકેલ આજદિન સુધીમાં શાસકો લાવી શક્યા નથી ત્યારે આ વર્ષે પણ હજુ ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યાં જ પાણીની પારાયણના દ્રશ્યો સિહોરમાં જોવા મળી રહ્યા છે. પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવાની વાતો કરતી ભાજપા સરકાર સિહોરમાં પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થાય અને સિહોરમાં પાણીની પારાયણ ના સર્જાય તો જ નવાઈ લાગે. હજુ તો ઉનાળાનો પ્રારંભ છે ત્યારે આ સ્થિતિ છે તો ભરઉનાળે આ વિસ્તારના લોકોની દશાની તો કલ્પના જ કરવી રહી. ગતિશીલ ગુજરાતના આ સિહોરમાં પણ સરકાર શાસક અને તંત્ર વિકાસ માટે થોડું ધ્યાન આપે તે ઇચ્છનીય છે.