Connect with us

Bhavnagar

ભાવનગરને આંગણે વિજ્ઞાનનગરી ’રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નવલું નજરાણું

Published

on

A new view of Vigyannagari Regional Science Center near Bhavnagar
  • ભાવનગરની ભાગોળે ૨૦ એકરમાં અને રૂા. ૧૦૦ કરોડના ખર્ચે આકાર પામેલ અનોખું ’રિજિયોનલ સાયન્સ સેન્ટર’
  • આ વિજ્ઞાન કેન્દ્રની પાંચ અદભૂત ગેલેરીઓમાં પ્રાચીન થી માંડીને અર્વાચીન યુગ સુધીની યાત્રા કરાવે તેવી અદભૂત છે
  • સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રથમવાર મરીન ગેલેરી બનાવવામાં આવી છે જેમાં જીવંત દરિયાઇ સૃષ્ટીનો અનુભવ મેળવી શકાય છે
  • વિજ્ઞાન પ્રેમીઓની કૂતુહલતાને પ્રેરિત કરતું અનુપમ વિજ્ઞાન કેન્દ્ર

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ ભાવનગરના આંગણે પધારી રહ્યાં છે. તેઓ આ દિવસે ભાવનગરના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે. તેમાં ભાવનગરની ભાગોળે નારી ગામ ખાતે ૨૦ એકર વિસ્તારમાં આશરે રૂ.૧૦૦ કરોડના ખર્ચે આકાર પામેલ રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. આ સાથે સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું પ્રથમ વિશેષ પ્રકારનું કેન્દ્ર જાહેર જનતા માટે ખુલ્લું મૂકાશે.

A new view of Vigyannagari Regional Science Center near Bhavnagar

ગુજરાતમાં વિવિધ જગ્યાઓએ પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. તે અંતર્ગત ભાવનગર ખાતે આ રિજિયોનલ સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ વિજ્ઞાન કેન્દ્રની પાંચ અદભૂત ગેલેરીઓમાં પ્રાચીન થી માંડીને અર્વાચીન યુગ સુધીની યાત્રા કરાવે તેવી અદભૂત છે.

આ ગેલેરીઓ વિજ્ઞાન અને ઈજનેરી વિકાસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. પાંચ અલગ- અલગ થીમ આધારિત ગેલેરીમાં મરીન એક્વાટીક ગેલેરી, ઓટોમોબાઇલ ગેલેરી, નોબેલ પ્રાઇઝ ગેલેરી, ઇલેક્ટ્રો મેકેનિક્સ ગેલેરી અને બાયોલોજી સાયન્સ ગેલેરીનો સમાવેશ થાય છે.

આ ગેલેરીઓ ઉપરાંત આ કેન્દ્ર ખાતે બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેની રસ- ઋચિ કેળવાય તે માટેના પ્રાયોગિક મોડેલ તથા બાળકો જ મશીનને ખોલીને ફરીથી તેને બનાવી શકે તેવાં પ્રાયોગિક મોડેલ પણ મૂકવામાં આવ્યાં છે.

A new view of Vigyannagari Regional Science Center near Bhavnagar

વિશાળ કેમ્પસમાં આજુબાજુમાં કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું આ કેમ્પસ સંપૂર્ણ પણે ઝીરો વેસ્ટ કેમ્પસ છે. આ કેમ્પસમાં પોતાના જ સેવેજ પ્લાન્ટ કાર્યરત છે. તેથી આ કેમ્પસમાં કોઇપણ પ્રકારનો કચરો ઉત્પન્ન થાય તો તેનો નિકાલ પણ કેમ્પસમાં જ થાય તેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.

આ કેન્દ્રમાં ડિઝાઇન માટે એલિવેશનમાં જે કપડું લગાવવામાં આવ્યું છે તે ફેરારી કંપની પાસેથી ખરીદવામાં આવ્યું છે. જે ગરમી, ઠંડી અને ચોમાસામાં ટકી શકે તે પ્રકારનું છે.

Advertisement

સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશમાં સૌ પ્રથમવાર આ કેન્દ્ર ખાતે દરિયાઇ સૃષ્ટીને સમર્પિત મરીન ગેલેરી બનાવવામાં આવી છે. જેમાં જીવંત દરિયાઇ સૃષ્ટીનો અનુભવ મેળવી શકાય છે. અગાઉના કેન્દ્રોમાં મીઠા પાણીના જળચરોનું નિદર્શન હતું. જ્યારે આ કેન્દ્ર ખાતે અસલ દરિયાઇ પાણી અને આ પાણીના જળચરો રાખવામાં આવ્યાં છે.

આ જળચરોને ચેન્નઇ થી માંડીને સ્થાનિક કક્ષા એમ વિવિધ જગ્યાઓથી લાવવામાં આવ્યાં છે. આમાં વિશેષ મહત્વની વાત એ છે કે, આ મરીન ગેલેરીમાં રાખવામાં આવેલ માછલીઓને પણ પાંચ થી પંદર દિવસ માટે કોરેન્ટાઇન રાખવામાં આવે છે. જેથી આ જળચરોને કોઇપણ પ્રકારનો રોગ કે ઇન્ફેક્શન હોય તો તે બીજાને ન લાગે એ પ્રકારની સુદ્રઢ વ્યવસ્થાઓ ગોડવવામાં આવી છે.

A new view of Vigyannagari Regional Science Center near Bhavnagar

ભાવનગરના દરિયાકાંઠા વિસ્તારોથી પ્રેરિત મરીન એક્વેટિક ગેલેરીમાં દરિયાઈ જળચર જાતિઓના વૈજ્ઞાનિક અભ્યાસ અને દરિયાઈ જીવનના ઇકો સિસ્ટમની વિષે જાણકારી આપવામાં આવી છે.

તો ઓટોમોબાઈલ ગેલેરીમાં એન્જિન, વિમાન, હાઈડ્રો ડાયનામિક્સ જેવી ઓટોમોબાઈલ સાયન્સ વિષેની માહિતી આપવામાં આવી છે.

અહીં વર્કશોપમાં વિદ્યાર્થીઓ ઓટોમોબાઈલ કોમ્પોનન્ટ સાથે રમત કરીને જાતે કંઇક શીખી શકશે. આ ઉપરાંત ઇનોવેટીવ એક્ટીવીટીઝ પણ કરવામાં આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

ફિઝિયોલોજી અને મેડિસિનમાં સને-૧૯૦૧ થી ૨૦૨૧ સુધીના જે વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ મળેલું છે તેવાં ૨૨૪ નોબેલ પુરસ્કાર વિજેતાઓને સમર્પિત ગેલેરી છે. અહીંની નોબેલ પ્રાઈઝ ગેલેરીમાં આ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત વૈજ્ઞાનિક કલ્પનાઓને નવી રીતે પ્રદર્શિત કરતાં શીખવશે. તો ઇલેક્ટ્રો મિકેનિકસ ગેલેરી
જ્યાં હોલ ઓફ ટેસ્લા, મેગ્લેવ અને બુલેટ ટ્રેનના ડિસ્પ્લે મોડેલ્સ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી.

A new view of Vigyannagari Regional Science Center near Bhavnagar

જીવ વિજ્ઞાન ગેલેરી જીવનના વિજ્ઞાન વિષેની માહિતી આપશે. ઈન્ટરેક્ટીવ પ્રદર્શનો, સ્કેલ મોડેલ્સ અને ઇન્ફોગ્રાફિક્સ દ્વારા જીવ વિજ્ઞાનના ખ્યાલો પહોંચશે યુવાનો સુધી પહોંચશે.

સાથે જ આ સાયન્સ સેન્ટરમાં સ્કૂલના મુલાકાતીઓ માટે વિજ્ઞાન થીમ આધારિત ગેમ્સ, વર્ચૂઅલ રિયાલીટી, ઓડિયો- વિડિયો ઉપકરણો અને ઇન્ટરએક્ટિવ પેનલ મૂકવામાં આવી છે.

આમ, ભાવનગરનું આ કેન્દ્ર વિજ્ઞાન પ્રેમીઓની કૂતુહલતાને પ્રેરિત કરતું અનુપમ વિજ્ઞાન કેન્દ્ર બની રહેશે. ભાવનગર ઉપરાંત બોટાદ, અમરેલી જેવાં નજીકના જિલ્લાઓના વિજ્ઞાન પ્રેમીઓની જ્ઞાન પીપાસા સંતોષવાનું આ મહત્વનું કેન્દ્ર બની રહેવાનું છે એમાં શંકાને કોઇ સ્થાન નથી.

Advertisement

ગુજરાત ઉદ્યોગ સાહસિકતા જ નહીં પરંતુ વિજ્ઞાન ક્ષેત્રે પણ પાછળ નથી. ત્યારે અમદાવાદની સાયન્સ સીટી બાદ ભાવનગરનું આ રિજિયોનલ સાયન્સ સેન્ટર પણ વિજ્ઞાનના અગાધ જ્ઞાનને પ્રકાશિત કરવાનું અનોખું કેન્દ્ર બની રહેશે. અહીંથી નિકળેલો પ્રકાશણપૂંજ વિજ્ઞાનની કેડી પકડીને સમાજ જીવનને પણ વિજ્ઞાનને સથવારે પ્રકાશિત કરશે.

error: Content is protected !!