World
સાત સમંદર પાર રહેતા ભાઈઓ માટે બહેનોએ ઉજવી અનોખી રક્ષાબંધન , વિડીયો કોલમાં રાખડી બાંધી બળેવની ઉજવણી કરી
સાત સમંદર પાર રહેતા ભાઈઓ માટે બહેનોએ ઉજવી અનોખી રક્ષાબંધન , વિડીયો કોલમાં રાખડી બાંધી બળેવની ઉજવણી કરી
કુવાડીયા
ભાઈ-બહેનના પ્રેમના પર્વ તરીકે ઓળખાતા રક્ષાબંધનના તહેવાર ગઈકાલે (19 ઓગસ્ટ) હતો. પરંતુ વિદેશમાં રહેતા ભાઈઓ બહેનોએ એક દિવસ પહેલાં એટલે વીકએન્ડમાં જ સમય એડજસ્ટ કરીને રક્ષાબંધનની ઉજવણી કરી દીધી હતી. સાત સમંદર પાર રહેતા ભાઈ બહેનોએ રક્ષાબંધનની અનોખી ઉજવણી કરી હતી. ભાઈ બહેનો વચ્ચે હજારો કિલોમીટરનું અંતર છે પરંતુ ઈન્ટરનેટનો ઉપયોગ કરીને વિડીયો કોલ મારફતે આ અંતર ઘટી ગયું હતું. સિહોરમાં રહેતા ભાઈઓ બહેનોએ વિદેશમાં રહેતા ભાઈઓ બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી માટે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. સીધા હાથ પર રાખડી બાંધી શકાય તેમ ન હોવાથી વિડીયો કોલ કરીને સેલફોન પર રાખડી બાંધી બળેવની ઉજવણી કરી હતી. ભારત સહિત વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. તેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને મોટું નુકસાન થયું હતું. પરંતુ કોરોનાના કારણે શરૂ થયેલો ઓનલાઈન રક્ષાબંધનનો ટ્રેન્ડ હજારો કિલોમીટર દૂર રહેતા ભાઈ-બહેનો માટે આર્શાવિદરૂપ બની ગયો છે. આ પહેલાં ભારતમાં રહેતી બહેન પોસ્ટ કે કુરિયર મારફતે વિદેશમાં રહેતા ભાઈને રાખડી મોકલતી હતી. પરંતુ અનેક વખત રાખડી મોડી મળી કે નહીં મળવા જેવી અનેક ફરિયાદો રહેતી હતી. પરંતુ હવે ટેકનોલોજીમાં જે ક્રાંતિ આવી છે તેના કારણે ભાઈ-બહેનનો તહેવાર એવા રક્ષાબંધનની ઉજવણી સરળ બનવા સાથે લાગણીભરી બની રહી છે. હવે આ ઓનલાઈન રક્ષાબંધનનો ટ્રેન્ડ હજારો માઈલ દુર રહેતા પરિવારો માટે આર્શીવાદરૂપ બની ગયો છે. વિદેશમાં રક્ષાબંધનની રજા ન હોવાથી વિદેશમાં રહેતા ભાઈઓએ વીકએન્ડમાં રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી. વીક એન્ડમાં ભાઈઓ બહેનો વિદેશમાં સવાર અને ભારતમાં રાત હોય તેવા સમયે રક્ષાબંધનની ઉજવણી કરી હતી. અહીં રહેતા ભાઈ બહેનો અને વિદેશમાં રહેતા ભાઈ બહેનો વચ્ચે વિડિયો કોલ કરવામાં આવે છે અને બન્ને સામસામે આવી જાય છે. બહેન હાથમાં રાખડી લઈને કેમેરા સામે ધરે છે ભાઈ હાથ લાંબો કરે છે. બહેન જાણે સાચે રાખડી બાંધતી હોય તે રીતે મોબાઈલ ફોન પર જ રાખડી બાંધી દે છે. એટલું જ નહી પરંતુ મોબાઈલ પર જ કંકુનું તિલક- ચોખા મુકવા સાથે રાખડી બાંધ્યા બાદ ભાઈનું મોઢું પણ ઓનલાઈન જ મીઠું કરાવી દે છે. તો બીજી તરફ વિદેશમાં બેઠેલા ભાઈ ઓનલાઈન ઓર્ડર કરીને બહેનને અહીં ગિફ્ટ પણ આપે છે. આ રીતે સિમ્બોલિક રક્ષાબંધન થાય છે પરંતુ તેમાં ભાઈ બહેનનો પ્રેમ ઓરિજિનલ જોવા મળે છે. એક બીજા સાથે લાગણીથી રક્ષાબંધન થાય છે તે માટે અનેક પરિવારો સોશિયલ મિડિયાને આર્શિવાદ માને છે. આ માધ્યમને કારણે હજારો કિલોમીટર દૂર રહેતા ભાઈ-બહેનો પોતાના તહેવારની ઉજવણી કરવા સાથે એક બીજાને જોઈ પણ શકે છે.