સિહોરનું ગોતમેશ્વર તળાવ અને ગૌતમ બાગ હવે વિકસશે પ્રવાસન સ્થળ તરીકે
સિહોરનું ગોતમેશ્વર તળાવ અને ગૌતમ બાગ હવે વિકસશે પ્રવાસન સ્થળ તરીકે
ભાવનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું અને આજે વિધિવત કાર્ય શરૂ પણ થઈ ગયું
સિહોરના વિકાસ માટે અનેક પ્રકલ્પો પ્રાયોજિત છે જેમાં ખાસ કરીને ગોતમેશ્વર તળાવના બ્યુટીફિકેશન સાથે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો ઉમદા હેતુ હંમેશાથી રહ્યો છે. સિહોરવાસીઓનું આ સ્વપ્ન હવે ટૂંક જ સમયમાં સાકાર થશે. ગત દિવસોમાં ભાવનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જિલ્લાના જુદા જુદા સ્થળોએ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહુર્ત કરાયા હતા. જેમાં ગોતવેશ્વર તળાવ અને ગૌતમ બાગનું પણ મુખ્યમંત્રીશ્રીએ વર્ચ્યુઅલી ખાતમુહુર્ત કર્યું હતું. અને આજથી શરૂ પણ થઈ ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે ગૌતમેશ્વર તળાવ અને ગૌતમ બાગના વિકાસ માટે અગાઉ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારે આ ઠરાવને લઈને સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર પીએમ ભટ્ટ તેમજ ચીફ એન્જિનિયર નીતિન પટેલ દ્વારા ગૌતમેશ્વર તળાવ ડેવલોપમેન્ટ માટે ₹4 કરોડ તેમજ ગૌતમ બાગ માટે રૂપિયા 1.10 કરોડની ગાંધીનગર ખાતેથી વર્ક ઓર્ડર સાથે મંજૂરી મેળવી લીધી હતી.
“નેકી મેં દૈર કેસી” મુજબ સરકારશ્રી દ્વારા આ કામ માટે રૂપિયા પણ ફાળવાઇ ગયા અને ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યું છે, ત્યારે આજરોજ સિહોર નગર કાર્યપાલિકાના પૂર્વ પ્રમુખ વી.ડી. નકુમ, સિહોર શહેર ભાજપ પ્રમુખ આશિષ પરમાર, ચીફ ઓફિસર પી.એમ. ભટ્ટ એન્જિનિયર નીતિન પંડ્યા, પૂર્વ નગર સેવક ભરત રાઠોડ, પાર્થ રાજ્યગુરુ, રમેશબાપુ દેવમુરારી, નરેશભાઈ ચાવડા સહિતનાની ઉપસ્થિતિમાં કંકુ-ચોખા અને શ્રીફળ સાથે પૂજા-અર્ચન કરી અને કાર્યનો પ્રારંભ કરાયો હતો.

