Connect with us

બગદાણા ખાતે બજરંગદાસ બાપાના ધામે ગુરૂપૂર્ણિમાં મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે : તૈયારીઓનો ધમધમાટ

તૈયારીના ભાગરૂપે બગદાણા ખાતે 700 સ્વયંસેવકોની બેઠક યોજાઈ: હજારો ભકતો ઉમટી પડશે

દેવરાજ
સંતશ્રી બજરંગદાસ બાપાના ધામ ગુરુઆશ્રમ બગદાણા ખાતે આગામી તા.21 ને રવિવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ બડે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ ઉજવણી માટે પૂર્વ તૈયારીઓ નો ધમધમાટ ગુરુઆશ્રમ ખાતે જોવા મળી રહ્યો છે. તૈયારીના ભાગરૂપે સમગ્ર આશ્રમના પરિસર તેમજ બંને રસોડા વિભાગમાં સઘન રીતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુરુપૂર્ણિમા મહોત્સવમાં આશરે એક લાખથી પણ વધારે ભાવિકો શ્રદ્ધાળુઓની ઉપસ્થિત રહેશે તેવી ધારણા સાથે અહીં રસોડા વિભાગ સહિતમાં તૈયારીઓ થઈ રહી છે. રસોઈ ઘરમાં 20,000 કિલો ના લાડવા પ્રસાદ તેમજ 5000 કિલો ગાંઠિયા, 8000 કિલો શાકભાજી, 2000 કિલો તુંવેરદાળ તેમજ 5000 કિલો રોટલી તથા 3000 કિલોગ્રામ ચોખા નો ઉપયોગ થશે. પરંપરા મુજબ સૌ યાત્રાળુ જનોને પંગતમાં બેસીને પ્રસાદ પીરસવામાં આવે છે. વ્યવસ્થા માટે બહેનો અને ભાઈઓ  બંને માટે ભોજનશાળા અલગ-અલગ રહેશે.
દરમિયાનમાં આજે બગદાણા ખાતેના સત્સંગ હોલ ખાતે આશરે 350 ગામોના 700 જેટલા સ્વયસેવકોની એક ખાસ મિટિંગ મળી હતી. તેમાં ગામ દીઠ મુખ્ય બે પ્રતિનિધિઓની ઉપસ્થિત રહી હતી. જેમાં કામગીરીની વહેંચણી કરી જવાબદારી સોંપવામાં આવી હતી. ગુરુપૂર્ણિમાના દિવસની સેવા માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યાં હતું. સાથે બાપાનું ભજન અને ગાયત્રી મંત્રના શાંતિ પાઠ સાથે આ સભાનું સમાપન થયું હતું. આ મિટિંગમાં મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગરે ઓડિયો સંદેશ પાઠવ્યો હતો. સાથે કાંતિભાઈ પુરોહિત માર્કંડભાઈ પંડ્યા, મેનેજર સુરુભા ગોહિલ, દિનેશભાઈરાઠોડ, કરણાભાઈ ભમ્મર, બગદાણા પી.એસ.આઇ સહિતના એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ અને માર્ગદર્શન માટેની આ સભામાં સ્વયંસેવકોના દરેક ગામોમાં વધુને વધુ વૃક્ષ વવાય અને જતન થાય તેમજ આગામી પૂ.બાપા ની 50મી પુણ્યતિથી (2027) સુધીમાં 1 લાખ વૃક્ષો વવાય અને તેનો ઉછેર થાય તે માટે હાકલ કરવામાં આવી હતી…. બાપા નો વૃક્ષપ્રેમ ખૂબ જાણીતો છે,ત્યારે સૌ સ્વયંસેવકોએ આ વાતને એકીસાથે વધાવી લીધી હતી. રસોડા અને ભોજનશાળા વિભાગ ઉપરાંત આરતી, દર્શન, ચા પાણી, પાર્કિંગ, સફાઈકામ જેવા એક ડઝન જેટલા વિભાગોમાં આ સ્વયંસેવકો કામગીરી બજાવશે.

error: Content is protected !!