Sihor
સિહોરમાં શિયાળુ શાકભાજીની આવક વધતા ભાવમાં ઘટાડો
બુધેલીયા
સિહોરમાં શિયાળુ શાકભાજીની આવક વધતા ભાવમાં ઘટાડો
ઓળા ઉંધીયાની મૌસમ જામી…લીલા ચણા હજુ મોંઘા : વટાણાની ઓછી આવકથી ભાવ ઉંચાસિહોર શહેરમાં શિયાળુ શાકભાજીની આવકો વધતા ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયાનું જાણવા મળે છે. ધીમીગતિએ વધતી ઠંડીમાં ઓળા-ઉંધીયાની મૌસમ જામી રહી છે. જોકે, લીલાચણા અને વટાણાની આવકો ઓછી હોવાથી ભાવ હજુ ઉંચા હોવાનું જાણવા મળે છે. આ અંગેની વિગત એવા પ્રકારની છેકે, શિયાળો શક્તિસંચયની ઋતુ મનાય છે. આ સિઝનમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં આવતા હોય છે. તેથી સ્વાસ્થ્ય વર્ધક આહાર માટે શિયાળાના દિવસો ઉત્તમ મનાય છે. ઝાલાવાડમાં છેલ્લા દોઢ મહિનાથી શાકભાજીના ભાવો ઉંચા હતા. પરંતુ હવે શિયાળુ શાકભાજીની આવકો વધતા ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થયેલ છે, અને ગૃહિણીઓએ હાશકારો અનુભવેલ છે. વધુ જાણવા મળતી વિગત મુજબ માર્કેટમાં શિયાળુ શાકભાજીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. કાંટાવાળા શિયાળુ રીંગણ,સુરતી ટીંડોળા, વાલોર, શિયાળુ કોબી, ફ્લાવર વઢવાણી લીલા મરચા, ટમેટા, ચોળી, મુળા,લીલી મેથી પાલક વિગેરે શાકની આવકો વધતા ભાવમાં પચાસ ટકા સુધીનો ઘટાડો થયેલ છે. ખાસ કરીને ઓળાના રીંગણનો ભાવમાં પણ ઘટાડો જોવા મળે છે, તેની સાથે લીલી ડુંગળીના ભાવમાં પણ ઘટાડો થતા ઓળા-રોટલાની મહેફીલો શરૂ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. જોકે, લીલા ચણાની આવકો ઓછી હોવાથી ભાવો ઉંચા રહેતા લીલાચણાના શાકની મૌસમ હજુ જામી નથી આ ઉપરાંત ઉંધીયામાં વપરાતા સુરતી ટીંડોળા, રવૈયા રીંગણ, વાલોર, પાપડી, રતાળુ,લીલીમેથી, ટમેટા વિગેરેની આવકો વધતા ભાવ ઘટવાથી ઉંધીયા-પુરીની મૌસમ પણ જામી રહી છે. જોકે લીલા શાકભાજીની વધતી આવકો વચ્ચે લીલી તુવેર, લીલા વટાણા, લીલા લસણ, લીલી હળદરની આવકો ઓછી હોવાથી ભાવો પ્રમાણમાં હજુ ઉંચા હોવાનું જાણવા મળે છે. શાકભાજીની આવકો વધતા અને ભાવ ઘટતા ગૃહિણીઓએ હાશકારો અનુભવેલ છે. દાળ-કઠોળના ઉંચા ભાવ સામે શાકભાજી સસ્તા થતા સામાન્ય પરિવારોએ પણ રાહત અનુભવી છે. જોકે તેલ-મસાલા મોંઘા હોવાથી રસોડા ખર્ચમાં બહુ ઘટાડો થયો ન હોવાનું જાણવા મળે છે. ભોજનમાં શાકભાજી સાથે સલાડનો ઉપયોગ વધ્યો છે. ચટાકેદાર રાયતા મરતાની મૌસમ પણ શરૂ થતા સ્વાદપ્રિય લોકોમાં આનંદની લાગણી ફેલાવા પામેલ છે.