Gujarat
નવરાત્રિમાં પણ વરસાદ બનશે વિઘ્ન? રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદ પડી શકે છે . જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છુટા છવાયા વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ અનુસાર વૉલ માર્ક લૉ પ્રેશરની સાથે વરસાદી ટર્ફ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં વરસાદ રૂપે તેની અસર દેખાશે. હવામાન વિભાગે માછીમારોને પણ બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. અનુમાન છે કે, ચોમાસાની વિદાયને વાર હોવાથી નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે. જો કે 17 તારીખ બાદ રાજ્યભરમાં વરસાદનું જોર ઘટશે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
સૌરાષ્ટ્રમાં સવારથી જ વરસાદી માહોલ
સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જામનગરમાં જામજોધપુર, કાલાવડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જામજોધપુર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમા સવારથી જ વરસાદી માહોલ છે.
તો કાલાવડ શહેર તથા આજુબાજુના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. નિકાવા, મોટાવડાલા, જસાપર, નવાગામ, ઉમરાળા,શિસાંગ સહિત અનેક ગ્રામ્યવિસ્તારો વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. બે કલાકમાં અંદાજીત બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
કચ્છમાં વરસાદ
તો કચ્છમાં પણ મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે. રાપર, ભચાઉ, અંજાર, ભૂજ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વરસાદ નોધાયો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો
રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર નર્મદાથી આવ્યા છે. નર્મદા નદી પર બાંધેલ અને રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમ વખત સંપૂર્ણ ભરાઈ ગયો છે. સરદાર સરોવર ડેમ સિઝનમાં પ્રથમવાર અને ગેટ લગાડ્યા બાદ ત્રીજી વખત 138.68 મીટરની મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. નર્મદા નીરના વધામણા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવશે. હાલ નર્મદા નિગમના અધિકારીઓએ તૈયારીઓ કરી દીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા ડેમ પર પહોંચીને બ્રાહ્મણોની હાજરીમાં પૂજા કરી શ્રીફળ, ચુંદડી, પુષ્પ ચઢાવી મા નર્મદાના નીરના વધામણાં કરશે.