Sihor
સિહોરના નવાગામ પાલડી ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ગ્રામજનોએ સ્વાગત કર્યુ
પવાર
યુવાન હાર્દિક ચુડાસમા હવે દેશની સરહદ પર આર્મીમાં ફરજ બજાવશે, હાર્દિકનું વાજતે ગાજતે ડીજેના તાલે ભવ્ય સ્વાગત સન્માન કરાયું
સિહોરના નવાગામ પાલડી ગામનો યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ પોતાના વતનમાં પરત ફરતા તેનું ગ્રામજનોએ સ્વાગત કર્યુ હતું. નવાગામ પાલડીના આર્મીમેન હાર્દિક પ્રવીણભાઈ ચુડાસમાનું ગામમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગ્રામજનો તેમજ આજુબાજુના લોકો પણ જોડાયા હતા. હાર્દિક ચુડાસમા સ્વાગત માટે ગામના યુવા ટીમ, મિત્રો તેમજ તેમનો પરિવાર અને ગ્રામજનો હાજર રહ્યા હતા. તો બીજી તરફ પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેમજ મિત્રો પણ લાગણીમાં ગળગળા થઈ ગયા હતા.
નવાગામ પાલડી ખાતે પ્રવીણભાઈ ચુડાસમાનો પુત્ર હાર્દિક આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ માદરેવતન નવાગામ પાલડી ખાતે આવતા ભવ્ય સ્વાગત કરાયું હતું. આ આર્મીમેન યુવાન હવે દેશની સરહદોમાં આર્મીમાં ફરજ બજાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નાના એવા નવાગામ પાલડી ગામના અનેક દીકરા, દીકરીઓ ભણીને એન્જીનિયર, ડોક્ટર, નર્સ શિક્ષક, પોલીસ બની ગામને અને સમાજને એક નવો રાહ ચિંધી રહ્યા છે. આ સ્વાગત સન્માન વેળાએ કરણસિંહ મોરી, અશોકભાઈ મામસી, લક્ષ્મણભાઈ રબારી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રવીણભાઈ ચુડાસમાના બન્ને દીકરા આર્મીમાં ફરજ બનાવે છે જે ગૌરવની વાત છે.