Sihor
સિહોર શહેરના વડલા ચોકમાં એક પણ સ્પિડ બ્રેકર ન હોય વાહનો બેફામ
પવાર
માતેલા સાંઢની જેમ વાહનો બેફામ દોડે છે : સ્પીડ બ્રેકર ખાસ જરૂરી છે, કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં બમ્પ બનાવો, લોક માંગણી
સિહોર શહેરના સતત ધમધમતા વડલા ચોકમાં બેફામ દોડતા વાહનોના કારણે છાશવારે નાના મોટા અકસ્માત સર્જાવાની ઘટના કાયમી બની છે. ત્યારે આ વિસ્તારમાં હાઇ-વે પર સ્પિડ બ્રેકર મુકવાની તાતી જરૂરીયાત છે. અહીં બેફામ ગતિએ દોડતા વાહનોને કારણે નાના-મોટા અકસ્માતો થતા રહે છે. આવા અકસ્માતો પર કાબુ લાવવા આ ગતિ અવરોધકો આવશ્યક છે.સિહોર શહેરના વડલા ચોકમાં ચાર-ચાર રસ્તા ભેગા થાય છે. જેમાં એક સિહોર શહેરમાં પ્રવેશ માટેનો રોડ મેઇન રોડ એક ભાવનગર તરફથી આવતો રોડ એક રાજકોટ તરફથી આવતો રોડ અને એક સિંધી કેમ્પમાં આવવા જવાનો રોડ આ ચારે રોડ વડલાવાળી ખોડીયાર મંદિરના ચોકમાં ભેગા થાય છે.
તેમજ આ ચોકની આજુબાજુમાં ત્રણ સ્કુલો આવેલ છે.આ ત્રણેય સ્કુલના ટાઇમ અને સ્કુલ છુટવાના સમયે એટલો બધો ટ્રાફીક થતો હોય છે કે ચાલતા નીકળવુ અને રોડ ક્રોસ કરવો મુશ્કેલ બને છે અને અધુરામાં પુરૂ ભાવનગર રોડ, રાજકોટ રોડ આ બન્ને હાઇવે હોવાથી વાહનો એક મિનીટ પણ બંધ નથી થતા અને શહેરમાં આવતા જતા નાગરિકોના વાહનોમાં સામસામે આવી જાય છે અને આ તમામ રોડ ઉપર એકપણ સ્પીડ બ્રેકર ન હોવાના કારણે દરેક નાના મોટા વાહન ચાલકો પોતાના વાહનો બેફામ સ્પીડમાં જ ચલાવે છે અને અવારનવાર નાના મોટા અક્સમાતો થાય છે. અને ઘણી વાર રાહદારીઓ પણ તેનો ભોગ બને છે. છતા આરએમબીના અંધેર તંત્રને આ સમસ્યા દેખાતી નથી. સિહોર શહેરની જનતાની સલામતી માટે સ્પીડ બ્રેકર મુકવા આવશ્યક છે