Gujarat
વડોદરા ATSને સિંધરોટ માંથી MD ડ્રગ્સની બનાવટમાં વપરાતું રસાયણ મોટી માત્રામાં મળી આવ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત ATSએ વડોદરા નજીક આવેલ સિંધરોટ ગામની સીમમાં સફળ અપોરેશન પાર પાડ્યું છે. સિંધરોટ ગામની સીમમાં મહી નદી કિનારે આવેલ ખેતરમાં શેડ ઉભો કરી એક નાનું ગોડાઉન બનાવી આ ગોડાઉનમાં MD ડ્રગ્સ અથવા કેમિકલનો ગેરકાયદેસર કારોબાર ચાલતો હોવાની બાતમી ATSને મળતા ATSની ટીમે ગત મોડી રાતે રાત્રીના અંધારામાં મહી નદી નજીક આવેલ કોતરો વચ્ચે બનાવવામાં આવેલ ફેક્ટરી ઉપર દરોડો પાડ્યા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ચાર લોકોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
સિંધરોટ ગામની સીમ મહી નદી કિનારે આવેલ ખેતરમાં ગુજરાત ATSનું ઓપરેશન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ATSના ઓપરેશનમાં MD ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવામાં આવતું કેમિકલનું આ મીની ફેક્ટરીમાં ઉત્પાદન કરવામાં આવતું હતું. ATSના દરોડા દરમિયાન મોટી માત્રામાં કેમિકલ મળી આવ્યું છે અને FSLની મદદથી આ કયાં પ્રકારનું કેમિકલ છે તેની તપાસ ચાલી રહી છે જો કે હાલ આ મીની ફેક્ટરીમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું કે સંગ્રહ કરવામાં આવતો હતો તેની હજુ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
સિંધરોટ મહી નદીના કિનારે આવેલું છે અને જેમાં જંગલ અને કોતરોનો વિસ્તાર છે. આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ખેતરમાં મીની ફેક્ટરી ઉભી કરી તેમાં MD ડ્રગ્સના રો મટીરીયલનું ઉત્પાદન કરી આ MD ડ્રગ્સનું રો મટીરીયલ કચ્છ, મુંબઈ અને અમદાવાદ ખાતે સપ્લાય કરવામાં આવતું હતું અને ત્યાર બાદ આ MD ડ્રગ્સના રો મટીરીયલને ટેબ્લેટ ફર્મમાં બદલી તેનું વેચાણ કરવામાં આવતું હતું.
ગુજરાત ATSએ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં બીજી વાર સફળ ઓપરેશન પાર પાડ્યું છે. અગાઉ ગુજરાત ATSએ 15મી ઓગસ્ટે વડોદરા જિલ્લાના સાવલી ખાતે મોકસી ગામે રેડ કરી 11 કરોડના MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને કંપની માલિક અને એક કર્મચારીને ઝડપી પાડ્યો હતો. ત્યારે હવે વધુ એકવાર મહી નદીના કોતરમાં ચાલતી ગેરકાયદેસર ફેક્ટરી પર દરોડા પાડી 4 ઈસમોની અટકાયત કરી તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત ATSના મહી કોતરમાં દરોડાના પગલે ATSએ ગ્રામ્ય પોલીસ, SOG અને FSLની મદદ લીધી હતી.