Connect with us

Sihor

ચૂંટણી ટાણે જ ઉપાધિ : અનેક ઉમેદવારો-કાર્યકરો માંદગીના ખાટલે

Published

on

Upadhi after the election: Many candidates-activists due to illness

બરફવાળા

ડબલ ઋતુ…ખાવા-પીવાના ઠેકાણા નહીં’ને સતત દોડધામ, શરદી-ઉધરસ, તાવ, ગળા બેસી જવા સહિતની અનેક તકલીફોનો કરવો પડી રહેલો સામનો: પ્રચારમાં પહોંચી વળવાનો મોટો પડકાર: સવારે અને રાત્રે ઠંડી તો બપોરે તડકો હોવાને કારણે આખો દિવસ લોકસંપર્ક, પદયાત્રા સહિતના પ્રચાર-પ્રસારમાં લાગેલા ઉમેદવારો-કાર્યકરોની હાલત ખરાબ, ચૂંટણી અત્યંત ઢુકડી હોય માંદા પડ્યા બાદ આરામ કરવો પોષાય તેમ ન હોય ઝડપથી અસર કરે તેવી અને ઈન્જેક્શનો લેવા ઉપર મુકાઈ રહેલો ભાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ ઢુકડી આવતી જાય છે તેમ તેમ પ્રચાર-પ્રસારમાં સોલિડ કરંટ જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કાના પ્રચાર માટે હવે પંદર દિવસ કરતાં પણ ઓછો સમય બાકી હોવાને કારણે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જાહેર થયેલા ઉમેદવારો અને તેમના કાર્યકરો આખો દિવસ પ્રચારની દોડધામમાં લાગી ગયા છે. જો કે અત્યંત મહત્ત્વના સમયે જ મોટી ઉપાધિ આવી પડી હોય તેવી રીતે અનેક ઉમેદવારો અને કાર્યકરો માંદગીના ખાટલે પટકાતાં ચિંતાનું મોજું પણ ફરી વળેલું જોવા મળી રહ્યું છે. ભાવમગર સહિત સૌરાષ્ટ્રમાં હજુ શિયાળો બરાબર જામ્યો નથી અને ડબલ ઋતુ જોવા મળી રહી છે જેના કારણે માંદા પડવું સ્વાભાવિક છે.

બરાબર તેવા સમયે જ ચૂંટણી આવી પડતાં ડબલ ઋતુની સાથે સાથે ઉમેદવારો-કાર્યકરોના ખાવા-પીવાના કોઈ જ ઠેકાણા ન હોવાથી અને સતત દોડધામ રહેતી હોવાને કારણે માંદગીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે અનેક ઉમેદવારો અને કાર્યકરો એવા છે જેમને શરદી ઉધરસ તાવ ગળા બેસી જવા સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રકારની સ્થિતિ સર્જાતાં પ્રચારમાં કેવી રીતે પહોંચી વળવું તેનો પડકાર પણ અનેક ઉમેદવારો સામે સર્જાઈ જવા પામ્યો છે. એ વાતનો કોઈ ઈનકાર ન કરી શકે કે પ્રચારમાં ઉમેદવારનું સાથે રહેવું અત્યંત આવશ્યક બની જાય છે કેમ કે ઉમેદવાર જ મતદારને પોતાની તરફ આકર્ષી શકવા માટે સક્ષમ હોય છે. બીજી બાજુ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ કાર્યકરો અને ટેકાદારોના મેળાવડા પણ વધતાં જતાં હોવાથી વાયરલ ઈન્ફેક્શન અત્યારે મોટી સંખ્યામાં ફેલાઈ જવા પામ્યું છે.

બીજી બાજુ ઉમેદવારો અને કાર્યકરો પ્રચાર-પ્રસાર, લોકસંપર્ક, પદયાત્રા સહિતના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાથી ભોજન લેવાના કોઈ જ ઠેકાણા રહેતાં ન હોવાથી તેમની તબિયત ઉપર અસર પડી રહી છે. ચૂંટણી ઢુકડી હોવાને કારણે માંદા પડ્યા બાદ આરામ કરવો શક્ય ન હોવાને કારણે ઉમેદવારો અને કાર્યકરો દ્વારા ડૉક્ટરો પાસેથી ઝડપથી સાજા થઈ શકાય તેવી દવા અને જરૂર પડે તો તુરંત ઈન્જેક્શન લઈને પણ પ્રચાર-પ્રસારમાં ઢીલાશ ન આવે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એક ચર્ચા એવી પણ સંભળાઈ રહી છે કે અનેક ઉમેદવારો-કાર્યકરોને ડૉક્ટરો દ્વારા બીમારીને ધ્યાનમાં રાખી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખી આ સલાહની અવગણના પણ કરવામાં આવી રહી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!