Gujarat
રાજયમાં કમૌસમી વરસાદથી રવિપાકને મોટું નુકશાન : સર્વે કરવા મુખ્યમંત્રીનો આદેશ
કુવાડિયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રાજયભરના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ : સર્વે બાદ અન્યાય ન થાય તે રીતે અસરગ્રસ્તોને નુકશાનીની સહાય ચૂકવવા પણ તાકીદ
રાજયમાં કમોસમી વરસાદના પગલે ખેતીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો તારાજ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. એવી પરિસ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી જ જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કમોસમી વરસાદ અને તેનાથી સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. જેમાં તેમણે જિલ્લા કલેકટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવવા અને આ માટે સર્વે-ટીમ્સ કાર્યરત કરવાના આદેશ આપ્યા હતા. તેમણે માનવમૃત્યુ કે પશુ જાનહાનિ ન થાય તે માટે સતર્ક રહીને સાવચેતી અને સલામતીના પગલા લેવા તાકીદ કરી હતી. આ કમોસમી વરસાદ અને માવઠાએ અમરેલી, જૂનાગઢ, સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય અને ઉતર ગુજરાતમાં ખેતીના પાકને મોટાપાયે નુકસાન પહોંચાડયું છે. આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાને પણ મોટું નુકશાન થયું છે.
ઉનાળું પાકો અને ફળાઉ પાકોને પણ નુકશાન થયું છે. જેની વિગતો મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરો પાસેથી મેળવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ સર્વેમાં કોઈને અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમાનુસારની ચૂકવણી માટે યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે. કેન્દ્રીય હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાનો જે સંભવિત વર્તારો દર્શાવ્યો છે તો દરેક જિલ્લા કલેકટરોએ જિલ્લા સ્તરે, તેની સામે પાક સંરક્ષણ સહિતનું આગોતરું આયોજન કરવું જરૂરી છે. મુખ્ય સચિવ રાજકુમારે જણાવ્યું હતું કે કમોસમી વરસાદ અન્વયે અગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષર માટે લેવાના થતા પગલા અંગે જિલ્લા કક્ષાએતી એગ્રી એડવાઈઝરી સ્થાનિક પ્રચાર માધ્યમોમાં આપીને ખેડૂતોને સમયાનુસાર હવામાન અંગેની જાણ થતી રહે તેવી વ્યવસ્થા કરવી પડશે.