Sports
ભારતીય ટીમમાં થઈ શકે છે ફેરફાર, હાર્દિક પંડ્યા બની શકે છે T20 ટીમનો રેગ્યુલર કેપ્ટન!

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે સફેદ બોલના ક્રિકેટ માટે બે અલગ-અલગ કેપ્ટન રાખવા પર વિચાર કરી રહ્યું છે. જો બધુ બરાબર રહ્યું તો આવતા વર્ષે જાન્યુઆરીથી શ્રીલંકા સામે ઘરઆંગણે રમાનારી સીરિઝ દ્વારા આ યોજના લાગુ કરી શકાય છે. જાન્યુઆરીમાં ભારતે પોતાની ધરતી પર શ્રીલંકા સામે ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચોની શ્રેણીમાં ભાગ લેવાનો છે અને આમાં ટીમ ઈન્ડિયા બે અલગ-અલગ કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી શકે છે. રોહિત શર્મા ODI ટીમનો કેપ્ટન રહેશે જ્યારે T20 ટીમની કપ્તાની હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી શકે છે.
ઈનસાઈડ સ્પોર્ટ્સ સાથે વાત કરતા બીસીસીઆઈના એક અધિકારીએ કહ્યું કે જો કે આ વાતની પુષ્ટિ કરવી ખૂબ જ વહેલું છે, પરંતુ અમે વિચારી રહ્યા છીએ કે શું ODI અને T20 ટીમો માટે અલગ-અલગ કેપ્ટનની નિમણૂક કરવી યોગ્ય રહેશે કારણ કે એક વ્યક્તિનો ભાર ઘટાડી શકાય છે. મોટા પ્રમાણમાં 2023માં ભારતમાં જ્યારે ODI વર્લ્ડ કપનું આયોજન થશે ત્યારે અમને T20 ક્રિકેટ પ્રત્યે નવા અભિગમની જરૂર છે અને તે માટે અમને નિરંતરતાની જરૂર છે. આ યોજના જાન્યુઆરીમાં લાગુ થઈ શકે છે અને આ માટે અમે બેઠક કરીશું અને તેમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ટી20 વર્લ્ડ કપ 2022માં પણ ભારતીય ટીમને સફળતા મળી ન હતી અને ત્યારથી રોહિત શર્માની કેપ્ટન્સી નિશાના પર છે. રોહિત અત્યારે 35 વર્ષનો છે અને આગામી T20 વર્લ્ડ કપ એટલે કે 2024માં તે 37 વર્ષનો થઈ જશે. બીજી તરફ હાર્દિક પંડ્યાને હવે સતત T20 ટીમની જવાબદારી સોંપવામાં આવી રહી છે. ટી20 વર્લ્ડ કપ બાદ હવે તેને ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચની ટી20 સીરીઝ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ઇનસાઇડ સ્પોર્ટ્સ અનુસાર, હાર્દિક પંડ્યાને જાન્યુઆરીની શરૂઆતમાં ભારતીય T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે, જ્યારે રોહિત શર્મા વનડે અને ટેસ્ટ કેપ્ટન તરીકે ચાલુ રહેશે