Sihor
ભાવનગર ગ્રામ્યના સિહોરમાં ચૂંટણીનો કોઈ વેવ નથી – અંડર કરંટ કોના તરફ? નેતાઓની ઉંઘ થઈ હરામ

બુધેલીયા
વિધાનસભાની ચૂંટણીમાં મતદાન આડે ચાર દિવસ જેટલો જ સમય છતાંય ક્યાંય કોઈ મોટો મુદ્દો ભાવનગર ગ્રામ્યના સિહોર વિસ્તારની ચૂંટણી પ્રચારમાં છે નહીં. ભાવનગર ગ્રામ્યની આ ચૂંટણી આટલી નિરસ કાં ?! સર્વત્ર આજ ચર્ચા ચાલી રહી છે. રાજકીય પક્ષો અને પ્રચાર માધ્યમોમાં ચૂંટણી જોવા મળે છે. એટલું જ મતદારો નિરસ દેખાય છે. અમુક મતદારો એવુ પણ કહી રહ્યા છે કે નેતાઓ અને કાર્યકરો બોલી શકવાની સ્થિતિમાં નથી આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ લોકો અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કોઈને કશો ઉમંગ નથી. મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત મતદારોના જીવનનું હીર જાણે કે હણાઈ ગયું છે.
મતદારો મનમાં સમસમી રહ્યા છે. તેઓ કશું જ બોલતા નથી તેઓ પાના ખોલવા ઈચ્છતા નથી સીધો જ જનોઈવઢ ઘા કરશે ઈવીએમમાં !! આ ડરથી નેતાઓ અને કાર્યકરો પણ ક્યાંય વધુ ઉત્સાહિત દેખાતા નથી. રાબેતા મુજબની ચૂંટણી સભાઓ અને નિરસ લોકસંપર્ક વચ્ચે ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં ભારેખમ પણું દેખાઈ રહ્યું છે. કેટલાક મતદારો એમ પણ કહી રહ્યા છે કે આ વખતે ચૂંટણી પરિણામ પણ અચરજ સર્જે તો નવાઈ નહીં. સર્વત્ર સન્નાટા સિવાય કશું જ વાયરલ નથી. આ શાંતિ ઉમેદવારોના બીપી લો કરી રહ્યા છે. 8મી ડિસેમ્બરે શું થશે ?