Gujarat
સમાધાનની ફોર્મ્યુલા નથી, બેમાંથી એક પણ પક્ષ ઝૂકવા તૈયાર નથી ત્યારેે ગોંડલ-રિબડામાં હવે શું ?

કુવાડિયા
ભાજપ કે ક્ષત્રિય આગેવાનો દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી રહી ન હોવાથી સ્થિતિ વધુ વણસી રહ્યાનો ગણગણાટ: ઓડિયો-વીડિયો વાયરલ થયા બાદ સામસામા બેફામ હાકલા-પડકાર’ને આક્ષેપો દિન-પ્રતિદિન વધતાં જ જાય છે
ગોંડલ અને રીબડા વચ્ચે ચૂંટણી જાણે કે દુશ્મનીને વધુ ગાઢ બનાવવા માટે જ આવી હોય તેવી રીતે દરરોજ કોઈને કોઈ પ્રકારે માથાકૂટ શરૂ થઈ ચૂકી છે. બીજી બાજુ દિવસેને દિવસે બગડી રહેલી પરિસ્થિતિ વચ્ચે લોકમુખે એક જ ચર્ચા ચાલી રહી છે કે આખરે ગોંડલ અને રિબડામાં આવનારા દિવસોમાં થશે શું ? આ સવાલ ઉઠવો એટલા માટે સ્વાભાવિક છે કેમ કે બન્ને પક્ષમાંથી એક પણ પક્ષ ઝૂકવા માટે તૈયાર ન હોવાથી સમાધાનની કોઈ જ ફોર્મ્યુલા અત્યારે દેખાઈ રહી નથી. બીજી બાજુ ભાજપ કે ક્ષત્રિય આગેવાનો દ્વારા આ બન્ને જૂથ વચ્ચે સુલેહ-શાંતિ સ્થપાઈ જાય તે માટે કોઈ જ પ્રકારની દરમિયાનગીરી કરવામાં આવી રહી ન હોવાથી સ્થિતિ દરરોજ વણસી રહી છે.
ચૂંટણી જાહેર થયાથી લઈ આજ સુધીમાં ગોંડલ અને રીબડા ગ્રુપના અનેક ઓડિયો, વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. આટલું ઓછું હોય તેવી રીતે સોશ્યલ મીડિયા ઉપર બન્ને જૂથ તેમજ જૂથના સમર્થકો દ્વારા અલગ-અલગ પ્રકારે સ્ટેટસ તેમજ લખાણો લખવામાં આવી રહ્યા હોવાથી તે બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે જેના કારણે દરરોજ કોઈને કોઈ પ્રકારે માથાકૂટ આકાર લઈ રહી છે. બીજી બાજુ સ્થિતિ થાળે પડી જાય તે માટે પોલીસ દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમાં પૂરતી સફળતા મળતી હોય તેવું અત્યારે કોઈને લાગી રહ્યું નથી.