Bhavnagar
ભાવનગર જિલ્લાની 7 બેઠકો માટે આજે મોડી સાંજે ચિત્ર સ્પષ્ટ થશે : કાલથી દે ધનાધન પ્રચાર
બરફવાળા
- પ્રથમ તબક્કાની ભાવનગરની 7 બેઠકો માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ : ભાવનગર જિલ્લામાં કાલથી ચૂંટણી પ્રચાર ધમધમશે : દિગ્ગજ નેતાઓના ગોઠવાતા પ્રવાસો
ગુજરાત વિધાનસભાની બે તબક્કે યોજાનારી ચૂંટણી પૈકી ભાવનગર સહિત ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે ૧લી ડિસેમ્બરે યોજાનારા મતદાન માટે ભરવામાં આવેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે અંતિમ દિવસ હોઇ આ તબક્કા માટેનું ચૂંટણી ચિત્ર મોડી સાંજ સુધીમાં સ્પષ્ટ થશે અને પ્રથમ તબક્કા માટે કાલથી પ્રચાર વેગવંતો બનશે. દરમિયાન બીજા તબક્કાની ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે ૫મી ડિસેમ્બરે થનારા મતદાન માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હોવાથી છેલ્લી ઘડી સુધી ઉમેદવારી નોંધાવવા દોડધામ થઇ રહી છે. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી પ્રથમ તબક્કા માટે યોજાનારી ચૂંટણીનું ચિત્ર સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે. આજે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાનો દિવસ હોવાથી જેમને ‘સમજાવી’ લેવાયા છે. તેઓ મેદાનમાંથી ખાસી રહ્યો છે.
પ્રથમ તબક્કા માટે ૮૯ બેઠકો પર કુલ ૧૩૬૨ ઉમેદવારીપત્રો ભરાયા છે. આજે ડમી ઉમેદવારો પણ ફોર્મ પાછા ખેંચી રહ્યો છે. કુલ કેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે તે સાંજે સ્પષ્ટ થઇ જશે. દરમિયાન આજે સાંજે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયા બાદ કાલથી ચૂંટણી પ્રચારમાં રંગ આવશે. ભાવનગર જિલ્લામાં ત્રણેય રાજકીય પક્ષોના ટોચના નેતાઓના પ્રવાસ શરૂ થશે. કાલથી રેલી – સભા – ખાટલા મિટીંગો – કાર્યકર સંમેલનો – ભોજન સમારોહ – સરઘસ – બાઇક રેલી વગેરે શરૂ થશે.જિલ્લાની તમામ બેઠકો પર ફરી વળતા રાજકીય નેતાઓના કાર્યક્રમો ઘડાયા છે. તમામ પક્ષો પોતાની પૂરેપૂરી તાકાત લગાડી વિજય મેળવવા પ્રયાસ કરશે. ભાજપ અને કોંગ્રેસે સ્ટાર પ્રચાર કોને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. ૧૯મીથી વડાપ્રધાન ખુદ પ્રચાર કાર્યમાં જોડાશે. તેઓ ૨ દિવસમાં અનેક સભાઓને સંબોધવાના છે તો બીજી તરફ રાહુલ ગાંધી પણ ૨૦મી પછી પ્રચાર શરૂ કરનાર હોવાનું જાણવા મળે છે.