Gujarat
એપલ મોબાઈલના સ્પેરપાર્ટ હવે સુરતમાં બનશે, 1000 કરોડના MoU
દેશમાં મોબાઈલ અને ટેક્નોલોજી ક્ષેત્રે ક્રાંતિ આવી રહી છે ત્યારે તાજેતરમાં જ સિલિકોન ચિપ્સ બનાવવા માટેની શરૂઆત વેદાન્તા દ્વારા ગુજરાતમાં થઈ રહી છે. આ પછી એપલ મોબાઈલમાં ઉપયોગ થતાં સ્પેરપાટર્સનું પ્રોડક્શન પણ ગુજરાતમાં સુરત ખાતે થશે. જેના માટે સુરતની એક જાણીતી કંપનીએ એપલ કોર્પોરેશન સાથે રૂ. 1 હજાર કરોડનો એમઓયુ સાઈન કર્યો છે.
ચીનને પાછળ છોડી રહ્યું છે ભારત
અત્યાર સુધી મોબાઈલ અને ડિજીટલ ગેજેટ્સ માટે ચીનનું નામ સૌથી પહેલાં આવતું હતું ત્યારે હવે સુરતની કંપની દ્વારા એન્જિયરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એપલ કંપનીના મોબાઇલ ફોનના સ્પેરપાર્ટ્સ તૈયાર કરવામાં આવશે. ચાઈનામાં સ્પેરપાર્ટસ બનાવતી કંપની સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ ચાઈનાના ઓપ્શનમાં એપલ કંપની દ્વારા સુરતની એન્જિનિયરિંગ કંપનીને કામ આપવામાં આવ્યું છે. સુરતની એન્જિનિયરિંગ કંપની દ્વારા ટૂંક સમયમાં જ પ્રોડક્શન પણ ચાલું કરી દેવામાં આવશે.
ખાસ વાત એ છેકે, એપલ દ્વારા સ્પેરપાર્ટ્સના મેન્યુફેક્ચરિંગ માટે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ માટે વિશ્વની અલગ અલગ કંપનીઓ દ્વારા પણ ટેન્ડર ભરવામાં આવ્યા હતાં. આ પછી તમામ પ્રોસેસ પાર કરી સુરતની એન્જિનિયરિંગ કંપનીના ભાવો સહિતની શરતો યોગ્ય લાગતા એપલ દ્વારા સુરતીની કંપની સાથે એમઓયુ સાઈન કરવામાં આવ્યા છે. જેની સાથે ભારતની અંદર અગાઉ આઈફોન માટે ટાટા કંપનીએ પણ હેન્ડસેટ બનાવવાની દિશામાં શરૂઆત કરી છે જેના બાદ આ વધુ એક સિદ્ધિ ભારતને ટેક્નોલોજીના ક્ષેત્રે મળી રહી છે.
આઈફોનના વિવિધ પાર્ટસ ભારતમાં બની જ રહ્યા છે
કેન્દ્રીય મંત્રાલય તરફથી સોમવારે સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું છેકે, એપલ પોતાના વિવિધ પ્રોજેક્ટસ ભારતમાં ખસેડી રહી છે ત્યારે એપલે પોતાના ફ્લેગશીપ આઇફોન-14 મોડેલનું ઉત્પાદન ભારતમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી.જે પછી એરપોડ્સ અને બીટ હેડફોન્સનું પ્રોડક્શન ભારતમાં ખસેડવામાં આવી રહ્યું છે તેવી માહિતી સામે આવી છે.
સુરતમાં અગાઉ પણ એરોસ્પેસના સંબંધિત મશીનરીઓ બનતી આવી છે. તેમજ રોલ્સ રોયના ડેશ બોર્ડ, મોંઘી બ્રાન્ડેડ કંપનીના પરફ્યુમ, ટેક્ષ્ટાઈલ ક્ષેત્રે અવનવી પ્રોડ્કટસ સુરતમાં બનતી આવી છે. જે પછી સુરતમાં ટેક્નોલોજી ક્ષેત્રે સૌથી મોટું નામ ધરાવતી આઈફોન કંપનીના પણ પગલાં પડતાં નવી જ શરૂઆત થઈ રહી છે.