Sihor
સિહોર : ચૂંટણી જાહેર થવાની સાથે જ હોર્ડીંગ્સ ઉતારવાની ઝુંબેશ શરૂ
પવાર
- આદર્શ આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે દિવાલો ઉપર ચિતરવામાં આવેલાં રાજકીય પક્ષોના સુત્રો ઉપર પણ કુચડા ફેરવી દેવાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે જે અંતર્ગત સિહોર નગરપાલિકા ટીમ દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળે લાગેતાં વિવિધ રાજકીય પક્ષોના અને સરકારના હોડીંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા. આજે સવારથી સાંજ સુધીમાં શહેર અને તાલુકામાં અનેક સ્થળોએ નાના મોટા હોર્ડીંગ્સ ઉતારી લેવાયા હતા અને આગામી દિવસમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે
આ માટે ગઇકાલે કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી દીધી હતી. ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ભાવનગર ગ્રામ્ય બેઠક પરના સિહોરમાં ક્યાંય આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે નોડલ અધિકારીઓની નિમણૂંક કરી દેવામાં આવી છે. એટલું જ નહીં આજ સવારથી જ સિહોર નગર પાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ લાગેલાં રાજકીય પક્ષ અને સરકારની જાહેરાતોના હોડીંગ્સ પોસ્ટરો ઉતારી લેવાની ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને તે દરમ્યાન હોર્ડિંગ્સ, પોસ્ટર અને ધજા-તોરણે દુર કરવામાં આવ્યા હતા.
હજુ આવતીકાલે પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તો દિવાલો ઉપર ચિતરવામાં આવેલાં વિવિધ રાજકીય પક્ષોના સુત્રો ઉપર પણ તંત્રનો કુચડો વાગી જશે. આચારસંહિતાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કલમ ૧૮૮ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે. હવે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ જાહેરનામાઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવશે.