Sihor
સિહોર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસાના આગોતરા આયોજનને લઈ મચ્છરજન્ય રોગથી બચવા જરૂરી તકેદારીનાં પગલાં લેવાયા
પવાર
‘‘પહેલું સુખ તે જાતે નર્યા’’, સિહોર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ગામડાઓમાં માર્ગદર્શન અપાયું, અનેક ગામડાઓની લીધી મુલાકાત
સિહોરના પ્રા.આ.કે.ઉસરડ ના હેઠળ આવતા ગામ વડિયા, ઘાંઘળી, નેસડા, ભોળાદ, પીપળીયા, ભડલી, મોટા સુરકા વગેરે ગામોની પ્રા.શાળામાં અભ્યાસ કરતા બાળકો ને પી.એચ.સી ઉસરડ ના મેડિકલ ઓફિસર ડો.સેજલ પટેલીયા, આર.બી.એસ.કે ડો.સંજય ખીમાંણી ના માર્ગદર્શન હેઠળ પી.એચ.સી ઉસરડના સુપરવાઈઝર આર.ડી.ચુડાસમા , આરોગ્ય કર્મચારી જે.ડી. ગોહિલ, કેતનભાઈ, રશિકભાઈ, રાહુલભાઈ, શિરીશભાઈ, કેવલભાઈ, ભટ્ટનાગરભાઈ, સી.એચ.ઓ, આશા ફેસે., આશા બેનો દ્વારા આગામી ચોમાસુ ઋતુને અનુલક્ષીને વાહક (મચ્છર) જન્ય રોગ થવાના કારણો, તેનો અટકાવ, વગેરે બાબતો વિશે વિગતવાર સમજણ આપેલ IEC કામગીરી કરેલ જેમાં તમામ શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ નો પૂરતો સહયોગ મળેલ. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ખુલ્લા અને સ્થિર પાણીમાં ઈંડા મુકતાં હોવાથી વરસાદની મોસમમાં આ રોગોનો ચેપ લાગવાની મહત્તમ શક્યતાઓ હોય છે. આ રોગો માટે જવાબદાર શરીર અને પગ પર કાળા અને સફેદ પટ્ટાઓવાળા એડીસ મચ્છર તેના લગભગ ૨ અઠવાડિયાના જીવનકાળ દરમિયાન ૩ વાર ઈંડા આપે છે અને દર વખતે લગભગ ૧૦૦ ઈંડા આપે છે. અને અત્યંત ઝડપી રીતે ફેલાઈ શકે છે. ડેન્ગ્યુ મચ્છર દિવસ દરમિયાન સૌથી વધુ સૂર્યોદય પછીના બે કલાક અને સૂર્યાસ્ત પહેલાના બે કલાક દરમિયાન કરડે છે. મચ્છર કરડયા બાદ મનુષ્યમાં ૫ થી ૬ દિવસ પછી રોગના લક્ષણો જોવા મળે છે. આથી આ સમયગાળામાં આપણી અને આપણા પરિવારની સુરક્ષા માટે સાવધાનીઓ લેવી જરૂરી છે.
આ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ગુજરાત સરકાર દર્શાવેલા ઉપાયોને જાણી અને અપનાવી મચ્છર ઉત્પત્તિ અને ચેપ લાગતા અટકાવવવાનાં પગલાં લેવા જરૂરી છે. નકામી પાણી ભરાય તેવી વસ્તુઓનો તરત નિકાલ કે નાશ કરો. સ્વચ્છતા જાળવો. જુદા જુદા પાણીના બિનજરૂરી પાત્રોમાંથી પાણીને ખાલી કરો. ઉપયોગના પાણી ભરવાના પાત્રોને વ્યવસ્થિત ઢાંકીને રાખો. શરીરના બધા જ અંગો ઢાંકી રાખે તેવા લાંબી બાંયના કપડા પહેરો. મચ્છરદાનીનો દિવસે સુતી વખતે પણ ઉપયોગ કરો. ડેન્ગ્યુથી બચવા દિવસ દરમિયાન પણ ઘરગથ્થુ જંતુનાશકો જેવા કે, કોઈલ, ધ્રુમશીલ(એરોસીલ) દવાઓ, મચ્છર અગરબત્તી તથા જંતુનાશકને વરાળમાં પરિવર્તિત કરતા સાધનોનો ઉપયોગ કરો. બારી તથા દરવાજા પર મચ્છરજાળી લગાવો. એરકંડીશનનો ઉપયોગ થતો હોય તેવા રૂમ્સ બંધ વાતાવરણને લીધે મચ્છર કરડવાથી બચાવે છે. ઉપરાંત ઓફિસો અને એકમો, સંકુલોમાં ફોગીંગ કરાવીએ. ડેન્ગ્યુની અટકાયત એ આપણા સૌની જવાબદારી છે. માટે આપણી અને આપણા પરિવારની રક્ષા માટે ઉપરના ઉપાયો કરીને રોગથી બચીએ. સખત માથાનો દુખાવો, આંખની કીકીની પાછળ દુખાવો, સ્નાયુઓનો દુખાવો, સાંધાનો દુખાવો, ચકામા, નાકમાંથી લોહી નીકળવું, વગેરે અમુક લક્ષણો જણાય તો ડેન્ગ્યુ હોઇ શકે છે. આ લક્ષણો જણાતા ડી-હાઈડ્રેશન અટકાવવા પુરતા પ્રમાણમાં પાણી પીવું, પૌષ્ટીક ખોરાક લેવો તેમજ આરામ કરવો અને તુરંત ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પેટમાં સતત દુખાવો અથવા ઉલ્ટી, લોહીની ઉલ્ટી, સુસ્તી અથવા ચિડીયાપણું, શ્વાસ લેવામાં તકલીફ અને ચીકણી ત્વચા જેવા ગંભીર લક્ષણો જણાતા તાત્કાલિક તબીબી સારવાર લેવી જોઈએ. ડેન્ગ્યું જીવલેણ પણ હોઇ શકે છે. સારી અને સમયસરની સારવાર જીંદગી બચાવી શકે છે. ઉપરાંત કોઈપણ વ્યક્તિને પોતાના જીવનકાળ દરમિયાન એકથી વધુ વાર ડેન્ગ્યુનો રોગ લાગુ પડી શકે છે. આથી ઉપરના ઉપાયો અપનાવીને ડેન્ગ્યુ સામે રક્ષણ મેળવીએ તેમજ જાગૃત બનીએ.