Bhavnagar
ઉંચો કરબોજ, મોંઘવારી,રસ્તા સહિતની કથળેલી સેવાથી ભાવનગર જ નહીં સૌરાષ્ટ્ર કોઈનો ગઢ નહીં

ઉંચો કરબોજ, મોંઘવારી,રસ્તા સહિતની કથળેલી સેવાથી ભાવનગર જ નહીં સૌરાષ્ટ્ર કોઈનો ગઢ નહીં
ચૂંટણી મુદ્દા યથાવત્ રહેતા લોકોમાં રોષ પણ ઉકેલ કે વિકલ્પની હજુ શોધ જારી સિંગતેલમાં પાંચ વર્ષમાં સવાસો ટકાનો વધારો, બાંધકામ ખર્ચ દોઢસો ટકા વધ્યો, ચૂંટણી ટાણે પણ તેલ, દૂધ, અનાજ, કઠોળ, ગેસ, ઈંધણ, શિક્ષણ, સારવાર બધુ મોંઘુ : ખેડૂતોને ટેકાના ભાવ વધ્યા તેથી વધુ કૃષિનો ખર્ચ વધ્યો, નોકરિયાતોનો પગાર અને વેપારીનો નફો વધ્યો તેના કરતા ઘરખર્ચ-ટેક્સ વધી ગયો
કુવાડિયા
ભાવનગર જિલ્લાની 7 સહિત સૌરાષ્ટ્રની 48 અને ગુજરાતની 182 બેઠકો માટે ફરી એક વાર ચૂંટણી આવી છે પરંતુ, ચૂંટણીના મુદ્દા પાંચ વર્ષ પહેલા મોંઘવારી, ઉંચા દરે કરવેરા વસુલીને પણ રસ્તા સહિત સુવિધા ન આપવી જેવા મુદ્દા યથાવત્ રહ્યા છે જે કારણે આ વખતે પણ ભાવનગર જિલ્લો કે સૌરાષ્ટ્ર કોઈનો ગઢ બન્યો નથી. આ કારણે જ ભાજપ,કોંગ્રેસ,આપ સહિત તમામ રાજકીય પક્ષો રેવડીથી માંડીને સપનામાં સરી પડો તેવા વિકાસકામો સહિતની વાતોથી મતદારોને પ્રભાવિત કરવા કવાયત કરી રહ્યા છે. વિવિધ લોકોનો સંપર્ક સાધતા આ ચૂંટણીમાં પણ દરેક ચીજમાં મોંઘવારી અને ઉંચો કરબોજ, અને તેને પહોંચી વળવા પૂરતી રોજગારીનો અભાવ, ભંગાર રસ્તા સહિત કથળેલી પાયાની સુવિધાઓ મુખ્ય મુદ્દા છે. મોંઘવારી ચોતરફ વિસ્તરી છે જેમાં
(1) પાંચ વર્ષ પહેલા સૌરાષ્ટ્રમાં જ પેદા થતી મગફળીના સિંગતેલનો ડબ્બો રૂ।. 1300 આસપાસ (કિલોના રૂ।. 80) વેચાતો તે રૂ।. 3000ને પાર કરીને હાલ ભર સીઝન ટાણે પણ રૂ।. 2700માં વેચાય છે.
(2) દૂધ રૂ।. 30-35 લિટર મળતું તે હવે રૂ।. 60નું લિટર મળે છે.
(3) ઘરના બાંધકામ ખર્ચ સીમેન્ટ, સ્ટીલ, રેતી,કપચીના ભાવ વધારાના પગલે બમણો થઈ ગયો છે.
(4) પેટ્રોલ ડીઝલ તેના પર સતત વધતા કરબોજને કારણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોરોના કાળ વખતે તળિયે પહોંચ્યું છતાં લોકોને ઉંચા ભાવે, આજે પણ રૂ।. 96ના ભાવે વેચાય છે.
(5) પર્યાપ્ત સરકારી સ્કૂલ-કોલેજો નહીં બનતા શિક્ષણ એટલું મોંઘુ થયું છે કે લોકો ત્રાસી ગયા છે. એક મહિલાએ આજે જ કહ્યું છોકરો કામ કરે છે અને 4000 પગાર મળે છે, ખાનગી સ્કૂલમાં રૂ।. 26000ની ફી કેવી રીતે ચૂકવવી? આ તો સામાન્ય સ્કૂલની ફી છે, સારી ગણાતી સ્કૂલમાં રૂ।. 1 લાખ ઉપર ફી ઉચ્ચતર માધ્યમિકમાં હોય છે.
(6) મેડીકલ સ્ટોર્સ પર દવાવાળાઓ કહે છે તમામ દવાના ભાવમાં વધારો આવ્યો છે, આયુર્વેદિક દવા કે જે ભારતીય છે તેના ભાવ પણ વધી ગયા છે અને તેના ઉપર પણ તગડો જી.એસ.ટી. છે.
(7) ટોલટેક્સ દર વર્ષે વધતો જાય છે અને લોકોનો આક્રોશ તો ત્યારે વધારે છે કે ઉંચા વાહનકર,જીએસટી,ટોલટેક્સ ચૂકવ્યા પછી વાહન લઈને રસ્તા પર નીકળો તો અત્યંત જોખમી ગાબડાં આજે પણ છે.
(8) જેમાં ખર્ચથી વધુ નિષ્ઠાની જરૂર છે તેવી ગંદકીપણ દૂર થતી નથી, રાજકોટ,મોરબીથી માંડીને મહાનગરોની હાલત પણ ખરાબ છે.
(9) ઘંઉ સહિત અનાજ,કઠોળ, મસાલા જેવી રસોઈની દરેક ચીજમાં 20થી 30 ટકાનો ભાવ વધારો એક વર્ષમાં થયો છે.
(10) રાંધણ ગેસ બાટલામાં વાપરો તો રૂ।. 400નો બાટલો રૂ।. 1000એ પહોંચી ગયો અને પાઈપ્ડ ગેસ વાપરો તો તેના ભાવ પણ વધારી દીધા.
(11) વાહનનો વિમો ઉતારો કે હેલ્થ વિમો, તેમાં પણ વધારો તો કોઈ જિંદગી આખો ઢસરડો કરીને બચત બેન્કમાં મુકે તો વ્યાજદર, વળતર ઘટી જતા નિવૃતોને ઘરડે ઘડપણ પણ આર્થિક પરતંત્રતા વધી ગઈ.
(12)સેવાઓ સરકાર હસ્તક રાખી લોકોને સસ્તાભાવે આપવાને બદલે ખાનગીકરણ બેફામ રીતે થવા લાગ્યું, તેનું પરિણામ કેટલું ખતરનાક આવે તે ઝૂલતા પૂલ તૂટવાની દુર્ઘટનાએ દર્શાવી આપ્યું છે.
એન્ટ્રી ફી ચૂકવો અને સલામતિ કાંઈ નહીં. ખેડૂતો કહે છે ખેતમજુરીના ભાવ બમણાં થઈ ગયા, ખાતર પણ મોંઘુ થયું, ટ્રેક્ટરથી માંડીને લોખંડના ખેતઓજારો પણ મોંઘા થયા અને કૃષિ પેદાશ વેચવા લઈ જઈ તો ડીઝલ-પેટ્રોલનો ભાવ વધુ, જે વધારાનો ખર્ચ કરવો પડે તે સામે ટેકાના ભાવમાં વધારો ઘણો ઓછો છે. વેપારીઓ કહે છે જી.એસ.ટી.નો બોજ વધ્યો છે, ઉપરથી સરળતા નથી, ઈન્કમટેક્સનો બોજ અસહ્ય લાગે છે અને ઓનલાઈન ટ્રેડીંગનું જોખમ પણ વધ્યું, આવક વધી તેથી ખર્ચ વધી રહ્યો છે. નોકરિયાતો કહે છે પગારમાં જે વધારો થાય છે તેથી વધુ ઘર ચલાવવાનો ખર્ચ થાય છે. જો કે પાંચ વર્ષમાં અનેક બ્રિજ, મોટા બિલ્ડીંગો, સિક્સલેન રસ્તા, એઈમ્સથી માંડીને એરપોર્ટ સહિતના કામો થયા છે પરંતુ, તે દરેકમાં કરોડો રૂ।.નો વધારે પડતો ખર્ચ કરાયો છે અને કોન્ટ્રાક્ટ અને કાવડિયા માલેતુજારો પાસે ગયા છે. વળી, આવા કામો થયા તે રાજકોટના સ્માર્ટ સિટી એરિયા આસપાસ આંટો મારો ત્યાં જ ખાડે ગયેલી રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા નજરે પડે છે. આમ, ગામડાઓ તો દૂર, શહેરમાં પણ હજુ પ્રાથમિક સેવા સુધારવી પડકારરૂપ રહી છે ત્યારે લોકો ફરીવાર કોને મત આપવો તે મુદ્દે મન કળવા દેતા નથી. લોકોમાં સમસ્યાનો ઉકેલ, વિકલ્પની શોધખોળ વર્ષોથી, આજે પણ જારી છે. કોઈ પક્ષ વચનોની લ્હાણી કરે છે તો કોઈ લોકોનું સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા જુદા જ મુદ્દાને હાઈલાઈટ કરે છે.