Bhavnagar
નારાજ દાવેદારો કાર્યકરોને મનાવવા ભાવનગર જિલ્લામાં મોડી રાત્રીના બેઠકોનો દૌર
બરફવાળા
ટિકિટ ફાળવણીમાં નારાજ દાવેદારો સમાજથી નુકસાનની ભાજપ કોંગ્રેસને ભીતિ ; હાલ સીધો સંતોષ આપી શકાય તેમ નથી, ચૂંટણી પછી બોર્ડ નિગમમાં નિયુક્તિ અને કેટલાક મહત્વના લાભની ‘વ્યવસ્થા’ કરી આપવાની ખાતરી અપાય છે
મતદાન આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આપ સહિતના રાજકીય પક્ષોના ઉમેદવારોનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં પણ કયાંકને કયાંક ટિકિટ ફાળવણીની વાત હોય કે અન્ય કોઈ પણ બાબતને લઈને નારાજ થયેલા દાવેદારો અને તેમના સમાજના આગેવાનોને સમજાવવાના પ્રયાસો શરૂ થયા છે. જિલ્લામાં નારાજગી દૂર કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે સક્રિય બનવાનો વખત આવ્યો છે. જે મત ખેંચી લાવી શકે છે તેવા પણ નારાજ હોય તેવા કાર્યકર, દાવેદારને મનાવવા બન્ને પક્ષના આગેવાનો સક્રિય બની મોડીરાતે બેઠક યોજે છે. જિલ્લામાં પણ વિધાનસભાની ચૂંટણીમાં ટીકીટના મુદે ફકત જીતી શકાય તેવા જ ઉમેદવારને ભાજપ અને કોંગ્રેસે પસંદ કરતા નારાજ થયેલા દાવેદારો અને કાર્યકર્તાઓ તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ કે જેઓને ખુદને ટિકિટ મળી નથી અથવા તો તેમના સમાજને ટિકિટથી વંચિત રાખી દેવામાં આવ્યા છે તેમજ ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ શરૂ થઈ ગયું છે અને આ કામગીરી કેટલાક અનુભવી કોંગ્રેસ ભાજપના ટોચના નેતાને સુપ્રત કરવામાં આવી છે.
હાલ આ પ્રકારના નેતાને ચોકકસ સ્થળે બોલાવી તેમને સમજાવવા અને પક્ષના હિતમાં ડેમેજ ન થાય તે જોવા જણાવાયું છે. આ ચૂંટણીમાં સામાજીક સંતુલન બનાવવા અન્યાય થયાની પણ સમાજોમાં ચર્ચા છે. હવે આ સમાજ અને કેટલાક અગ્રણીઓને મનાવવા માટે છેલ્લા બે દિવસથી મોડી રાત્રીના બેઠકોનો દૌર શરુ થયો છે. રાજકીય પક્ષના કાર્યકરોમાં ચર્ચા છે કે, તમામ રાજકીય પક્ષોનું પ્રચાર કાર્ય વેગવાન બન્યું છે. દિવસભર પ્રચાર દરમિયાન નારાજ કાર્યકરો, દાવેદારો અને આગેવાનોની નારાજગી ધ્યાનમાં આવતાં જ ભાજપ, કોંગ્રેસના રાજ્યકક્ષાના નેતાઓ ડેમેજ કન્ટ્રોલ માટે સક્રિય બન્યાં છે. ખાસ કરીને પ્રચારકાર્ય પૂર્ણ થયાં પછી રાતના સમયે જ નારાજ થયેલા કાર્યકર, આગેવાન કે દાવેદાન સાથે મિટિંગ યોજવામાં આવે છે. આમ, નારાજ થયેલા લોકોની સમજાવટ માટે મોડીરાત સુધી બેઠકોનો દોર શરૂ થયો છે. જિલ્લામાં ટિકીટ ફાળવણીને લઈને સામે ચાલીને વિરોધ થતો ન હોય પરંતુ આંતરિક નારાજગી તો છે જ. જિલ્લાની સાત બેઠકો ઉપર ક્યાંક ભાજપ તો ક્યાંક કોંગ્રેસને પોતાના ઉમેદવાર સામે રહેલા આંતરિક વિરોધને દૂર કરવા માટે જહેમત લેવી પડે છે.