Bhavnagar
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ રાહુલ ગાંધીના સમર્થનમાં ધરણા કરે તે પહેલા જ પોલીસે 35 જેટલા કાર્યકરોની અટકાયત
પવાર
રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરવાના વિરોધમાં રવિવારે કોંગ્રેસ દ્વારા દેશભરમાં સંકલ્પ સત્યાગ્રહ કરવામાં આવી રહ્યુ છે. પાર્ટીના મોટા નેતાઓ અને કાર્યકરો રાજ્યોમાં જિલ્લા અને બ્લોક સ્તરે પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના જશોનાથ ચોક ખાતે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ધરણા કાયક્રમ યોજે તે પૂર્વે જ કોંગ્રેસ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની બાબત મજબૂત સંકેત છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી ગંભીર સ્થિતિમાં છે. રાહુલની નિર્ભય લડાઈના અડીખમ સમર્થનમાં આજે રવિવારના રોજ સત્યાગ્રહ-સંકલ્પ ધરણાંના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જશોનાથ ચોક ખાતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં કોંગ્રેસ ધરણા પર બેસે તે પહેલા જ કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, પોલીસે 35થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ ઘરણાં કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, વિરોધપક્ષના નેતા, કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, તમામ આગેવાન, યુથ કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ, મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં તેમણે દેશનાં કૌભાંડોની વાત જાહેર મંચ પરથી કરી હતી. એ સમય દરમિયાન જે અલગ-અલગ કૌભાંડો બહાર આવ્યાં હતાં, એમાં નીરવ મોદી અને લલિત મોદીનાં નામ પણ બહાર આવ્યાં હતાં. રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે, આ તમામ કૌભાંડીઓ અને ચોરોનાં નામ પાછળની અટક મોદી જ કેમ હોય છે. તમામ મોદી ચોર હોય છે. એ પ્રકારનું નિવેદન કરતાં મોદી અટક ધરાવતા સમાજમાં રોષ વ્યાપ્યો હતો. સુરત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ સુરત કોર્ટમાં દાખલ કરાયો હતો. છેલ્લે ઓક્ટોબર 2021માં રાહુલ ગાંધીએ પોતાને નિર્દોષ ગણાવ્યા હતા.